વડોદરાના પિત્ઝા સેન્ટરમાં લાગી ભીષણ આગ, અનેક ઓફિસો બળીને ખાખ, સદનસીબે જાનહાનિ ટળી
Fire in Vadodara: વડોદરા શહેરમાં સમા-સાવલી વિસ્તારમાં આવેલા બંસલ મોલમાં આવેલી એક પિત્ઝા શોપમાં વહેલી સવારે આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ધીમે ધીમે આગ એટલી વિકરાળ બની ગઇ હતી કે થોડી જ વારમાં પહેલાં માળે લાગેલી આગ બીજા માળ સુધી પહોંચી ગઇ છે. આ આગની જ્વાળાઓમાં અનેક ઓફિસો બળીને ખાખ થઇ ગઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પિત્ઝા શોપના ઉપર માળે વુમન્સ હોસ્પિટલ આવેલી છે. જેના લીધે ગર્ભવતી મહિલાઓમાં દોડધામ મચી ગઇ છે. પિત્ઝા શોપમાં હાજર ફાયર સેફ્ટીના સાધનો કામ ન કરતાં હાજર લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે સદનસીબે વહેલી સવારે આગ લાગી હોવાથી પિત્ઝા શોપમાં ગ્રાહકો હાજર ન હતા.
હાજર લોકોના જણાવ્યા અનુસાર પીત્ઝાના ઓવરનમાં આગ લાગી હતી. ત્યારબાદ ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી હદે વધી ગઇ હતી કે બિલ્ડીંગની ઓફિસોના કાચ તૂટવા લાગ્યા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આગની લાગ હોવાની માહિતી મળતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગના કર્મીઓએ આગ ઓલવવા માટે પાણીનો મારો ચલાવી ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં મહદઅંશે કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.