ઉમરગામ GIDC કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, અન્ય કંપની પણ લપેટમાં આવતા દોડધામ

ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી : કોઇ જાનહાની નહી

Updated: Nov 19th, 2023


Google NewsGoogle News
ઉમરગામ GIDC કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, અન્ય કંપની પણ લપેટમાં આવતા દોડધામ 1 - image


ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે રવિવારે સવારે આગ સળગી ઉઠ્યા બાદ બાજુમાં આવેલી કંપની પણ લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.

ઉમરગામ GIDC કેમિકલ ફેક્ટરીમાં લાગી આગ, અન્ય કંપની પણ લપેટમાં આવતા દોડધામ 2 - image

જીપીસીબીના અધિકારી અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી

પ્રાપ્ત માહિતિ અનુસાર, ઉમરગામ જીઆઇડીસીમાં ગોલ્ડ કેન્ટીન નજીક કેમિકલનું ઉત્પાદન કરતી ભારત રેઝિન્સ લિ. નામક કંપની આવેલી છે. આજે રવિવારે સવારે કંપનીમાં અચાનક આગ સળગી ઉઠ્યા બાદ જ્વલનશીલ પદાર્થને કારણે આગ વધુ તિવ્ર બનતા બાજુમાં આવેલી કંપની રાજીવ ગારમેન્ટ પણ આગની લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. આગની જવાળા આકાશમાં દુર દુર સુધી ફેલાય જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો. આજુ બાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

ધટનાને પગલે ઉમરગામ, સરીગામ,વાપી, સેલવાસ, દમણ સહિતના ફાયર ફાઇટરના બંબા ઘટના સ્થળે પહોંચી ગયા બાદ બેકાબુ બનેલી આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. આગને કારણે બન્ને કંપનીને ભારે નુકશાન થયાનો અંદાજ આંકવામાં આવ્યો છે. પણ આગ કયા કારણોસર લાગી તે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. એફએસએલ રિપોર્ટ બાદ કારણ બહાર આવી શકશે. ધટનાને પગલે જીપીસીબીના અધિકારી, પોલીસની ટીમ દોડી ગઇ હતી.


Google NewsGoogle News