અગ્નિકાંડ પછી ફાયરબ્રિગેડ ધણીધોરી વગરનું : ચાર્જ સોંપાયો તે પણ રજા પર
રાજકોટમાં પૂર, આગ જેવી દુર્ઘટના ઘટે તો કોઈ જવાબદાર નથી! સરકારના પ્રભારી મંત્રી અને શહેરના સાંસદ સહિત નેતાઓ ઉદ્ધાટન,ઉત્સવો,બેઠકોમાં વ્યસ્ત : પાયાના પ્રશ્નોની થતી ઉપેક્ષા : ફાયર NOC વગરની મિલ્કતો સીલ, NOC કાઢવાની કામગીરી ઠપ્પ!
રાજકોટ, : રાજકોટમાં ઈન્ચાર્જથી ચાલતા ફાયર બ્રિગેડમાં લાંબા સમય બાદ આવેલા ફૂલચાર્જ અધિકારી ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા,સ્ટેશન ઓફિસર રોહિત વીગોરાની અગ્નિકાંડમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા છે. ત્યારે એકમાત્ર નવા આવેલા અધિકારી હાર્દિક ગઢવીને ચીફ ફાયર ઓફિસરના હોદ્દાનો કેરટેકર તરીકે ચાર્જ હજુ ગઈકાલે સોંપાયો ત્યાં આજે તેઓ લાંબી મેડીકલ લીવ ઉપર ઉતરી જતા ફાયર બ્રિગેડ ધણીધોરી વગરનું થઈ ગયું છે.
ગંભીર વાત એ છે કે હાલ ચોમાસુ શરૂ થયું છે અને પૂર હોનારત જેવી દુર્ઘટનાનો ખતરો વધ્યો છે ત્યારે પૂર કે આગ જેવી દુર્ઘટના ઘટે તેવી સ્થિતિમાં ચીફ કે ડેપ્યુટી સહિત એક પણ જવાબદાર અધિકારી જ નથી. મહાપાલિકા દ્વારા અગાઉ સરકારને પત્ર લખીને તાત્કાલિક ફાયર ઓફિસર ફાળવવા ભારપૂર્વક માંગણી કરી છે પરંતુ, હજુ ફાળવણી થઈ નથી.
આ ઉપરાંત, અગ્નિકાંડ પછી રાજકોટમાં 650 મિલ્કતોને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરી દેવાઈ છે અને હોસ્પિટલ-સ્કૂલો સિવાયની જ્ઞાાતિઓની વાડી સહિતની તમામ મિલ્કતોના સીલ ફાયર એન.ઓ.સી.વગર ખોલવાનું જોખમ સરકાર કે મનપા લેવા માંગતી નથી. પરંતુ, બીજી તરફ આ ફાયર એન.ઓ.સી. આપવાની પ્રક્રિયા ઠપ્પ છે, કારણ કે અધિકારી જ નથી. ખુદ મહાપાલિકાની પોતાની બિલ્ડીંગોમાં તેમજ 27 શાળાઓમાં ફાયર સેફ્ટી નથી અને તે માટેની કામગીરી પણ ફાયર બ્રિગેડના ચીફ કે ડેપ્યુટી સહિતના ઓફિસરોએ કરવાની હોય છે અને તે કામગીરી પણ ટલ્લે ચડી રહી છે.
મહાપાલિકામાં આવા ગંભીર પ્રશ્નો સર્જાયા છતાં પ્રભારી મંત્રી રાઘવજી પટેલથી માંડીને નવા ચૂંટાયેલા સાંસદ પરસોતમ રૂપાલા સહિત ભાજપના નેતાઓ પ્રવેશ સહિતના ઉત્સવો, ઉદ્ધાટનોમાં તો હાજર હોય છે, બેઠકોમાં પણ જઈ આવે છે પરંતુ, આ પ્રશ્નો ઉકેલવા સરકારમાં જઈને પ્રયાસો કરતા નથી. ધારાસભ્યો અને ખુદ મેયર પણ વારાફરતી વિદેશો આવ-જા કરી રહ્યા છે પણ આવા પ્રશ્નો ઉકેલવામાં નિષ્ક્રીય રહે છે.