વડોદરામાં IOCLમાં ફરી ભયાનક ધડાકો, આગ વિકરાળ બનતા અનેક જિલ્લાની ફાયરબ્રિગેડની ટીમ દોડાવાઈ
Vadodara Fire Blast in Refinery : વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં આજે બપોરે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ પછી રિફાઈનર કંપનીમાં વધુ એક બ્લાસ્ટ થતા બે વ્યક્તિના મોત નીપજ્યાં છે. જ્યારે આગને કાબુ કરવા માટે અન્ય શહેરની ફાયર ટીમને બોલાવામાં આવી છે.
રિફાઈનરીમાં વધુ એક બ્લાસ્ટ, બે લોકોના મોત
મળતી માહિતી પ્રમાણે, રિફાઈનરી કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ એક ટેન્કની આગને કાબુમાં લેતી વખતે અન્ય ટેન્કમાં આગ લાગી હતી. જેને લઈને અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, હાલોલથી અલગ અલગ ફાયર વિભાગની ટીમને બોલાવામાં આવી છે. વિકરાળ આગને કાબૂમાં લેતી વખતે એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે વ્યકિતના મોત નીપજ્યાં છે.
રિફાઇનરી કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે લાગી આગ
વડોદરામાં ભારત સરકારના સાહસ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરીમાં આજે બપોરે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અહીં બપોરે 1000 કિલો લિટરની બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં જોરદાર બ્લાસ્ટ થયો,જેના કારણે આસપાસના એક કિલોમીટર સુધીના વિસ્તારમાં અનેક મકાનોના બારી-બારણાં ધણધણી ઉઠ્યા હતા. આ દરમિયાન પ્રચંડ અવાજથી ગભરાઈને અનેક લોકો બહાર દોડી આવ્યા હતા.
આ આગના કારણે આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારમાં રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડ દસ જેટલા વાહનો તેમજ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જો કે, વડોદરા ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા આ ઘટનામાં તેમની કોઈ મદદ લેવામાં આવી નહીં હોવાનું જણાવાયું હતું.
ઘટના બાદ રિફાઇનરીના ફાયર ફાઈટર આગ કાબુમાં લેવાની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ, નંદેસરી અને અન્ય ફાયર બ્રિગેડને જરૂર પડે તો તૈયાર રહેવા પણ કહેવાયું હતું.
આગ લાગવા અંગે ગુજરાત રિફાઇનરીનું નિવેદન
ઘટના અંગે ગુજરાત રિફાઇનરી દ્વારા માહિતી આપવામાં આવી છે કે '1000 કિલો લીટરની ક્ષમતા ધરાવતા બેન્ઝીન સ્ટોરેજ ટેન્કમાં આગ લાગી હતી. જેની જાણ થતા જ આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ઘટનાને કારણે ગુજરાત રિફાઇનરીની બીજી કામગીરી પર કોઈ અસર થઈ નથી, ફાઈનરીનું કામ રાબેતા મુજબ કાર્યરત છે'. મહત્વનું છે કે મોડી સાંજ સુધી આગ લાગવાના કારણ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી.