સ્મીમેરના ગર્લ્સ હોસ્ટેલમાં આગ ભડકી ઉઠતા નાસભાગ
- મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ ગરબા રમવા ગયા બાદ આગ ભભુકતા ચોપડા, જરુરી પેપર્સ ખાક
સુરત,:
સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની વિદ્યાર્થીનીઓ શુક્રવારે રાત્રે કેમ્પસમાં ગરબા રમવા ગયા બાદ ગર્લ્સ હોસ્ટેલના એક રૃમમાં ઇલેકટ્રીક શોર્ટ સકટ થતા આગ ભડકી ઉઠતા ઘટના સ્થળે પર નાશભાગ મચી ગઈ હતી.
ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં શુક્રવારે રાત્રે એક રૃમમાં ઇલેકટ્રીક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠી હતી. ત્યાંથી વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતા હોસ્ટેલમાં હાજર વિધાર્થીની તથા માર્સલ સહિતના લોકોમાં ભાગદોડ થઇ જવા પામી હતી. જયારે માર્સલો ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. કોલ મળતા ફાયરજવાનો ત્યાં પહોચીને તરત કુંલીગ કામગીરી કરી હતી. જયારે સ્મીમેર મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલના તે રૃમમાં રહેતી ત્રણ થી ચાર વિધાર્થીનીઓ કેમ્પસમાં ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે ગઈ હતી. તે સમયે તેમના રૃમમાં આગ લાગતા વિધાર્થીનીઓ ચોપડા, જરૃરી કાગળીયા, કપડા સહિતના ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઈ ઇજા જાનહાની થઇ નહી હોવાનું ફાયર ઓફિસર મનોજ શુકલાએ જણાવ્યું હતું.