પાનના ધંધાર્થીનાં મકાનમાં આગ પુત્રીના લગ્નનો કરિયાવર ખાખ
લાલપુર તાલુકાના પીપરટોડા ગામે
દીવાની ઝાળના કારણે આગ લાગતાં પરિવાર પર આભ તૂટી પડયુંઃ જામનગરમાં ગેસનો બાટલો લીક થતાં રહેણાકમાં આગ
લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા અને પાનની દુકાન
ચલાવતા તેમજ છૂટક મજૂરી કામ કરતા એદુભા દેવુભા જાડેજાના પુત્રી પ્રિયાબાના થોડા
સમય બાદ લગ્ન છે. જે લગ્નની તૈયારીના ભાગરૃપે લાંબા સમયથી એકત્ર કરેલી કરિયાવરનો સામાન એકત્ર કરીને પોતાના રૃમમાં
રાખ્યો હતો. પુત્રીની સાસરા પક્ષમાં કરિયાવરનો સામાન મોકલવાઓ પરંતુ હાલમાં ત્યાં
કલર કામ વગેરે ચાલતું હોવાથી થોડાક દિવસ પછી સામાન મોકલવા જણાવ્યું હતું.
દરમિયાન દીવો કરવાની ઝાળ લાગવાથી કરિયાવર રાખેલા રૃમમાં આગ
લાગી ગઈ હતી, અને તમામ
સામાન સળગ્યો હતો. જેમાં લાકડાની સેટી,
ટીપાઈ, ગાદલા, ગોદડા, ઓછાડ, કબાટ વગેરે ફર્નિચર, સાડી તથા અન્ય
કપડા અને ઘરવખરી નો સામાન વગેરે સળગી ઊઠયો હતો. આ બનાવથી ભારે દેકારો થઈ ગયો હતો
અને આસપાસના લોકો એકત્ર થયા હતા. જે લોકોએ પાણીની ડોલ વગેરે લાવીને પાણીનો મારો
ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો.આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર
બ્રિગેડની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આગને બુઝાવી હતી. પરંતુ તે
પહેલાં સામાન બળીને ખાખ થયો હતો. જેથી પરિવારમાં આગના આ બનાવને લઈને ભારે ગમગીની
ફેલાઈ છે.
જામનગરમાં ખંભાળિયા નાકા નજીક ભાનુશાળી વાડ શેરી નંબર -૬
માં રહેતા ગૌતમભાઈ નાથાભાઈ નામના રહેવાસીના રહેણાક મકાનના આજે વહેલી સવારે પોણા
સાતેક વાગ્યાના અરસામાં રાંધણ ગેસનો બાટલો લીક થયો હતો, અને મકાનના રસોડા
ના ભાગમાં આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ દેખાતાં
આસપાસના લોકો એકત્ર થયા હતા,
અને સૌ લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સહી સલામત
રીતે રાંધણ ગેસનો બાટલો બહાર કાઢી લઈ સંપૂર્ણપણે આગને બુજાવી દીધી હતી, જેથી આસપાસના
રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો.