ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ
Fire In Kutch: ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર મીઠી રોહર નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. શંકર ટીમ્બર માર્ટ નામના લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે. જ્યા આગ લાગી છે તેને અડીને જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ડર ફેલાયો છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળતી માહિતી અનુસાર, ગાંધીધામ-ભચાઉ હાઇવે પર મીઠી રોહર નજીક ટીમ્બરના લાકડાના જથ્થામાં ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટના સ્થળની બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો છે.આગની જાણ થતાં જ ભચાઉ અને ગાંધીધામ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે. ફાયર ફાઈટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભરુચમાં સતત ત્રીજા દિવસે પણ માનવ મૃતદેહના અંગો મળ્યા, ઘટનાનું રહસ્ય હજુ પણ અકબંધ
સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, સંભવિત ગરમીના કારણે લાકડા વચ્ચેના ભૂંસામાં આગ લાગી છે, જેણે હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. નેશનલ હાઇવે બંને તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે.