વઢવાણ રેલવે સ્ટેશન પાછળ ખેતરની વાડમાં આગ લાગતા ભભૂકી
- ત્વરિત વીજ પૂરવઠો બંધ કરી દેવાયો
- ફાયર ફાયટરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવાતા જાનહાનિ ટળી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં આગના બનાવો વધી રહ્યાં છે ત્યારે વઢવાણ રેલ્વે સ્ટેશન પાછળ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એક ખેતરની વાડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે ઘટનાની જાણ તાત્કાલીક ફાયર ફાયટર ટીમને કરતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી હતી.
વઢવાણ રેલ્વે સ્ટેશન પાછળ આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં અચાનક ખેતરની વાડમાં આગ લાગતા સ્થાનીક રહિશો સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી તેમજ બનાવની જગ્યાએ મોબાઈલ ટાવર તેમજ પીજીવીસીએલની હેવી લાઈન પસાર થતી હોવાથી સાવચેતીના ભાગરૂપે તાત્કાલીક વિજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે સ્થાનીકો દ્વારા આ અંગે ફાયર ફાયટર ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લેતા મોટી જાનહાની ટળી હતી. આગ લાગવાનું કારણ સ્પષ્ટ બહાર આવ્યું નહોતું પરંતુ શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.