વડોદરાના હુંજરાત પાગા વિસ્તારમાં વિવાદીત બંધ દુકાનમાં આગ : તાળું તોડવા પોલીસની મદદ મેળવી આગ બુઝાવી
Fire at Shop Vadodara : વડોદરા શહેરના હુંજરાત પાગા વિસ્તારના સરકારી અનાજના ગોદામની બાજુમાં આવેલી વિવાદિત મિલકતમાં ગઈ મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અગ્નિશમન દળના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જઈ દુકાનનું તાળું તોડી આગ બુઝાવવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરના હુંજરાત પાગા સરકારી ગોદામ નજીક આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરતા આ મિલકત વિવાદિત હતી અને બહારથી તાળું મારવામાં આવ્યું હતું. જેથી તાત્કાલિક પોલીસની મદદ માગવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં તાળું તોડ્યા બાદ આગ બુજાવવામાં આવી હતી.
હુંજરત પાગા વિસ્તારની દ્વારકેશ એન્ડ કુ નામની બંધ હાલતમાં પડેલી વિવાદિત માલિકીની દુકાનમાં ગઈકાલે રાત્રે લાગેલી ભીંષણ આગનું કારણ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું માનવામાં આવે છે. વિવાદિત મિલકત હોવા છતાં ફાયર બ્રિગેડ અને પોલીસે સૌથી પહેલા આગ બુઝાવવાને પ્રાથમિકતા આપી હતી અને તાત્કાલિક અસરથી આગ બુજાવી દેવામાં આવતા તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકની કોથળીઓના જથ્થા બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળે છે.