જામનગરમાં બાઈકના શોરૂમના સેલરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં ભારે દોડધામ
Jamnagar Fire Incident : જામનગરમાં શરૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂમના પાર્કિંગના ભાગમાં જનરેટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, જેને કારણે નાશ ભાગ થઈ હતી, અને ઉપરના બિલ્ડિંગના ભાગમાં રહેતા લોકો બહાર નીકળી ગયા હતા. ફાયરની ટુકડીએ તુંરતજ પહોંચી જઈ આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર બાઈકના શો રૂમવાળા બિલ્ડિંગમાં કરણ રેસીડેન્સીના સેલરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સેલરના ભાગમાં મોટું જનરેટર મૂકવામાં આવ્યું છે, જ્યાં આજે સવારે પોણા અગિયાર વાગ્યે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, અને ધુમાડાના ગોટેગોટા સેલરમાંથી બહાર નીકળી રહ્યા હતા, જેને કારણે ભારે દોડધામ થઈ હતી.
ઉપરોક્ત બિલ્ડિંગમાં અનેક રહેવાસીઓ વસવાટ કરે છે જે તમામ લોકો ભયના માર્યા બહાર આવી ગયા હતા, અને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.
આથી ફાયર શાખાની ટુકડી ગણતરીની મિનિટોમાં બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.