વઢવાણ-લીંબડી રોડ પાંજરાપોળ પાસે ભંગારના ડેલામાં આગ લાગી
- શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
- આગને કારણે એક મકાન અને બે કેબીનને પણ નુકસાન : ફાયર ફાયટરે આગ પર કાબુ મેળવ્યો
સુરેન્દ્રનગર : વઢવાણ-લીંબડી રોડ પર આવેલા પાંજરાપોળ નજીક ભંગારના ડેલામાં મોડી રાત્રે આગ લાગી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ આગના કારણે એક મકાન સહિત બે કેબીનને પણ નુકસાન પહોંચ્યું હતું.
વઢવાણ લીંબડી રોડ પર પાંજરાપોળ પાસે આવેલા ભંગારના ડેલામાં ગત મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. ગણતરીની મીનીટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના એક મકાન સહિત બેથી ત્રણ કેબીનમાં પણ નુુકસાન પહોંચ્યું હતું. નજીકમાં જ વીજ ટ્રાન્સફોર્મર હોવાથી આસપાસના લોકો સહિત વાહનચાલકોમાં ભય પણ જોવા મળ્યો હતો. રાતનો બનાવ હોવાથી લોકોની અવર-જવર ઓછી હોવાથી જાનહાની ટળી હતી પરંતુ આગને કારણે ડેલામાં રાખેલ ભંગાર, જુનો કાટમાળ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. જ્યારે પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. આગ અંગેની જાણ નગરપાલિકાની ફાયર ફાયટર ટીમને કરાતા ઘટના સ્થળે આવી પહોચી હતી અને ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.