જામજોધપુરમાં જીનિંગ મીલમાં લાગી ભયાનક : રૂની ગાંસડી સળગવાથી 20 લાખનું નુકસાન
Jamnagar Fire : જામનગર જિલ્લાના જામજોધપુરમાં બાલવા રોડ પર આવેલી રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં ગુરૂવારે અકસ્માતે આગ લાગી હતી, અને ત્યાં રાખવામાં આવેલા કપાસના ઢગલામાં આગ લાગવાથી આગની મોટી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ચોતરફ જોવા મળ્યા હતા.
જેને લઈને આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો, અને લોકોના ટોળા થઈ ગયા હતા. જે બનાવા અંગે રાધિકા ઇન્ડસ્ટ્રીઝના માલિકે જામજોધપુરની ફાયર બ્રિગેડને જાણ કરતાં જામજોધપુર ફાયર વિભાગની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેતાં વધુ નુકસાની થતી અટકી હતી. જોકે તે દરમિયાન રાધિકા ઇન્ડસ્ટ્રીઝના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
20 લાખનું નુકસાન થયાની પોલીસ ફરિયાદ
જામજોધપુરમાં માર્કેટિંગ યાર્ડ નજીક રાધિકા ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 5,090 મણ કપાસના પાલા રાખવામાં આવ્યા હતા, જેમાં ગઈકાલે કોઈપણ અગમ્ય કારણસર આગ લાગી હતી, અને આશરે 200 મણ જેટલો કપાસનો જથ્થો સળગી ઉઠ્યો હતો. અને તેના કારણે અંદાજે રૂપિયા 20 લાખનું નુકસાન થયાનું જામજોધપુર પોલીસ મથકમાં જાહેર કરાયું હતું. જેના અનુસંધાને જામજોધપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલે બનાવના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી છે.