નડિયાદમાં સરદાર સ્ટેચ્યૂ નજીક બાબરભાઈની ધર્મશાળામાં આગ
ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
ખંડેર ધર્મશાળામાં બાજુની પાન- મસાલાની દુકાનનો સામાન મૂક્યો હતો : સદનસીબે જાનહાનિ ટળી
નડિયાદ સ્ટેશન રોડ પર સરદાર સ્ટેચ્યૂ નજીક બાબરભાઈની ધર્મશાળા ખંડેર હાલતમાં આવેલી છે. જેમાં બાજુમાં આવેલી પાન મસાલાની દુકાનનો સામાન રાખવામાં આવતો હતો. આજે સવારે કોઈ અગમ્ય કારણોસર ધર્મશાળામાં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળવાના શરૂ થયા હતા. ત્યારે આજુબાજુના દુકાનદારોએ બૂમાબૂમ સાથે નાસ ભાગ કરી હતી.
આ બનાવની જાણ થતા નડિયાદની ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં એક ગાડીની ટીમે બસ સ્ટેન્ડમાંથી ધર્મશાળાનો પાછળ પડતો દરવાજો તોડી અંદર પ્રવેશી પાણીનો મારો ચલાવ્યો હતો. જ્યારે અન્ય ટીમે સ્ટેશન રોડ પરથી દુકાનોની વચ્ચે ધર્મશાળાના પ્રવેશવાના દરવાજામાંથી પાણીનો મારો ચલાવ્યો હતો. જેથી બંને બાજુની દુકાનો સુધી આગ પ્રસરતી નિવારી શકાઇ હતી. આગમાં પાન- મસાલાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. સદનસીબે કોઈ મોટું નુકસાન થયું નથી. આ આગ કયા કારણસર લાગી તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.