કતારગામ GIDCમાં ગેસ રિફિલિંગ કરતા બ્લાસ્ટ થયા બાદ આગ :ચાર વ્યક્તિ દાઝયા
- કાચી ખોલીમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ વેળા ધડાકાથી ખોલીના પતરા અને અંદર મુકેલા સામાનના ફુરચા ઉડી ગયા
સુરત :
સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રિફિલિંગનો ધંધો બે રોકટોક ધંધો ધમધમે છે. તેવા સમયે કતારગામ જીઆઇડીસીમાં આજે સોમવારે સવારે ગેરકાયદેસર સિલિન્ડર માંથી ગેસ રિફિલિંગ દરમિયાન અચાનક જોરદાર પ્રંચડ બ્લાસ્ટ થયા બાદ આગ લાગતા ચાર વ્યક્તિઓ દાઝી ગયા હતા. જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્મીમેર હોસ્પિટલ અને ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ કતારગામ નવી જી.આઇ.ડી.સીમાં એક કાચી ખોલીમાં ૩૫ વર્ષીય મુન્ના વિનોદ પટેલ ગેસ રિફિલિંગનું કામ કરે છે. જોકે આજે સોમવારે સવારે મુન્ના સહિતના વ્યકિત મોટા સિલિન્ડર માંથી નાના સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરતા હતા. તે સમયે ગેસ લીકેજના લીધે ફેલશ ફાયર થવાના લીધે જોરદાર અવાજ સાથે બ્લાસ્ટ થયા પછી આગનો ભડકો થયો હતો. જેમાં ત્યાં હાજર મુન્ના,૨૩ વર્ષીય છોટુ દામોદર માથુર, બેરૃન ભરોસિંગ સગવર(ઉ-વ-૧૮) અને ઓમપ્રકાશ સુધીર સગવર શરીરના ભાગે દાઝી ગયા હતા.
દાઝી ગયેલા ચારેય વ્યક્તિઓ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. જ્યાં ચારેય ૫૦ ટકાથી વધુ દાઝી ગયા હોવાથી હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. સુત્રોએ કહ્યુ કે ગેરકાયેદસર ગેસ સિલિન્ડર રિફિલિંગ કરવામાં આવતુ હતુ. જોકે ત્યાં જોરદાર ધડકા સાથા બ્લાસ્ટ થયા બાદ આગનો ભડકો થયો હતો. જેના લીધે પતરા તુટી ગયા, ખોલીમાં સામાન વેરવિખેર થઇ ગયો સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ. આ બનાવના લીધે ત્યાં હાજર લોકો અને આજુ બાજુના લોકોમાં ગભરાઇ જઇને ભાગદોડ થઇ જવા પામી હતી.