જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવ અને પરિવાર પર હુમલાના પ્રકરણમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવાઈ
Jamnagar Crime : જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિદેવ અને પરિવારના અન્ય સભ્યો પર પરમદીને રાતે શેઠવડાળા ગામમાં વાહન પાર્ક કરવાના પ્રશ્ને હુમલો કરાયો હતો, જ્યાં બંને જૂથ વચ્ચે મારામારી અને હંગામો થયો હતો.જેમાં સામસામાં હુમલા થયા હતા, તેમ જ તોડફોડ પણ કરાઇ હોવાનું સામે આવ્યું હતું.
જેમાં ઇજાગ્રસ્ત મહિલા પ્રમુખના પતિ અતુલભાઈ ચંદુભાઈ રાઠોડ ઉપરાંત તેમના ભાઈઓ વગેરેને ઇજા થવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ શેઠ વડાળાનો પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ એ દોડતો થયો હતો, અને બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
જેમાં તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પરિવારના સભ્ય જીતેન્દ્રભાઈ નારણભાઈ રાઠોડે પોતાના ઉપર તેમજ અન્ય વ્યક્તિ પર હુમલો કરવા અંગે તેમજ સમાજમાં હલકા પાડવા માટે હળધુત કરવા અંગે સામા જૂથના નરેન્દ્ર સિંહ ઉર્ફે રાહુભા, પુષ્પદિપસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, તેમજ મયુરભાઈ મારુ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે ત્યારે સામા પક્ષે પુષ્પદિપસિંહ હરિશ્ચંદ્ર સિંહ જાડેજાએ પોતાના ઉપર તેમજ પોતાના કુટુંબીઓ ઉપર હુમલો કરવા અંગે તેમજ દુકાન વગેરેમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડવા અંગે જીતેન્દ્ર નારણભાઈ રાઠોડઝ તરુણ નારણભાઈ રાઠોડ, અતુલ ચંદુભાઈ રાઠોડ, બાબુભાઈ ચંદુભાઈ રાઠોડ અંકિત ચંદુભાઈ રાઠોડ નારણભાઈ ભીખાભાઈ રાઠોડ તેમજ ચંપાબેન નારણભાઈ રાઠોડ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. જે મામલે જામનગર ગ્રામ્ય વિસ્તારના એસટીએસસી સેલના ડીવાયએસપી વધુ તપાસ ચલાવી રહ્યા છે.