નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ, તેમના પુત્ર તેમજ અન્યો સામે ફરિયાદ
ભાજપના નેતા અને કાર્યકરની રાજકીય અદાવતમાં હુમલા અંગે બંને પક્ષોની સામસામે પોલીસે ફરિયાદો નોંધી
રાજપીપલા તા.૫ તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન ચૂંટણીની જૂની અદાવતમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી અને ભાજપના જ કાર્યકર અરુણ તડવીના જૂથ વચ્ચે મારામારીની ઘટનામાં સામા પક્ષે જિલ્લા પંચાયતના પ્રમુખ, તેમના પુત્ર સહિત અન્ય સામે પણ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મનોજ તડવીએ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારો પુત્ર તેના મિત્રો સાથે ભાવપુરા ખાતે લગ્નમાં ગયા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા તેને લેવા ગયો હતો. લગ્નનો વરઘોડો ચાલતો હોય તે જોવા માટે ત્યાં ઊભો હતો ત્યારે આ વરઘોડામાં હેમંત તડવીએ ગણસિંડા ગામના પ્રવિણ તડવી સાથે ઝઘડો કરતા હું તેને ઝઘડો ના કરવા સમજાવતો હતો ત્યારે ચિરાગ તડવી અને ભીમસિંગ તડવીએ અપશબ્દો બોલી ઝઘડો કરી મને માર માર્યો હતો.
આ બાબતની જાણ મારા ભાઈ અરુણ તડવીને કરતા તેઓ અર્જુન તડવી અને રજનીકાંત તડવી સાથે ત્યાં આવ્યા ત્યારે તેમના ઉપર પણ ચિરાગ તડવી અને ભીમસિંગ તડવી સહિત અન્ય સાગરીતોએ હુમલો કરી અરુણ તડવીને લોખંડની પાઇપ મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે મનોજ તડવીની ફરિયાદના આધારે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ શના તડવી, તેમના દીકરા ચિરાગ, વિજય, તેમજ હેમંત રમણ તડવી, હિરેન રમણ તડવી, સોમા શના તડવી, અનિલ સોમા તડવી,અશ્વિન અરવિંદ તડવી, તથા સંજય દિવાલ તડવી સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખની ફરિયાદના આધારે અરૃણ તડવી સહિત અન્ય હુમલાખોરો સામે પણ ફરિયાદ દાખલ કરી હતી.