ખંડણીકાંડમાં માણાવદર CPI, જૂનાગઢ SOGના સસ્પેન્ડેડ PI અને ASI સામે FIR: ATSને તપાસ સોંપાઈ
ખોટી નોટિસ ઇસ્યુ કરી બેંક ખાતાં અનફ્રીઝ કરવાનાં નામે તોડની પેરવી 335 બેંક ખાતાંની વિગત આપનાર માણાવદરના સીપીઆઈ મુખ્ય ડિઝાઇનર, કૌભાંડ આંતરરાષ્ટ્રીય હોવાની પણ આશંકા
જૂનાગઢ : ફ્રિઝ કરેલા બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરવા જૂનાગઢ સાયબર સેલ કમ એસઓજીના પીઆઈ અને એએસઆઈએ ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ નોટિસ ઈસ્યૂ કરી હતી. ત્યારબાદ ખાતા અનફ્રિઝ કરવા માટે ખંડણી માંગી હતી. આ મામલે તપાસ બાદ આ કૌભાંડમાં મુખ્ય ડિઝાઈનર માણાવદર સીપીઆઈ હોવાનું સામે આવ્યું હતું. આઈજીના હુકમના આધારે રીડર પીઆઈએ એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ, એએસઆઈ અને માણાવદરના સીપીઆઈ સામે ફરિયાદ કરતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય હોવાની શંકાના આધારે સમગ્ર તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી છે.
ઓનલાઈન ગેમ રમવાના આરોપમાં જૂનાગઢ એસઓજી કમ સાયબર સેલ દ્વારા કેરળના કુંજતુરના કાર્તિક જગદિશ ભંડારીનું બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી તેને અનફ્રિઝ કરવા માટે જૂનાગઢ બોલાવી તેની પાસેથી 25 લાખ માંગ્યા હતા. આ અંગે આઈજીને ફરિયાદ થતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જાનીને સસ્પેન્ડ કરવા હુકમ કર્યો હતો અને આ અંગે રીડર પીઆઈ એસ.એન. ગોહિલને તપાસ સોંપી હતી. તપાસ દરમ્યાન એસઓજી ઓફિસમાંથી રેકર્ડ કબ્જે કરવામાં આવ્યું હતું તેમજ કાર્તિક ભંડારી જ્યાં રોકાયેલા તેની વિગત અને સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. દિપક જાનીનું નિવેદન લેતા તેણે તા. 17-11-2023ના પીઆઈ ગોહિલે ચેમ્બરમાં બોલાવી વ્હોટસએપમાં ૩ એક્સલ સીટ મોકલેલ છે જે માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટે આપી છે તેમ જણાવ્યું હતું. તેને એસઓજી કોન્ફીડેન્સીયલ ઈનપુટમાં નોંધ પણ કરી હતી. પીઆઈ એ.એમ. ગોહિલની સુચનાથી ખાતા ફ્રિઝ કરવા માટે લેટર લઈ આવી ફ્રિઝ કરવા બેંકને જાણ કરી હતી. તપાસ દરમ્યાન સાયબર ક્રાઈમ સેલ કમ એસઓજીના પીઆઈ એ.એમ. ગોહિલે જૂનાગઢ એલસીબીનો પ્રોહિબીશન જુગાર ડ્રાઈવનો ખોટો આધાર લઈ ગેરકાયદેસર ખોટું ગુપ્ત ઈનપુટ ઉભું કરી ઘણીબધી બેંકોને સીઆરપીસી કલમ 191 તથા 102 મુજબ નોટિસ કાઢી ખોટું રેકર્ડ ઊભું કરી ખોટી નોટિસ કાઢી માત્ર નાણાં પડાવવા માટે બેંક એકાઉન્ટ ફ્રિઝ કરાવ્યા હતા. જેમાં તરલ ભટ્ટે તા. 17-11-2023 ના 281 અને અન્ય દિવસોમાં 25 તથા 29 મળી કુલ 335 જેટલા બેંક એકાઉન્ટની વિગત આપી હતી. જે એકાઉન્ટ ફ્રિઝ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે પીઆઈ એસ.એન. ગોહિલે એસઓજીના સસ્પેન્ડેડ પીઆઈ એમ.એમ. ગોહિલ, એએસઆઈ દિપક જગજીવન જાની અને માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસી 167 465, 467 471, 385, 389, 114, 120-B અને ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનીયમ 7, 12 મુજબ ગુનો દાખલ કર્યો છે. શરૂઆતમાં આ અંગેની તપાસ પોરબંદર ડીવાયએસપીને સોંપવામાં આવી હતી. પરંતુ રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ જણાવ્યું હતું કે, આ મોટું કૌભાંડ હોવાની આશંકા છે, દરેક વ્યક્તિની બેંક ખાતાની વિગતો ગુપ્ત હોય છે, માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ પાસે એટલા બધા એકાઉન્ટની વિગતો ક્યાંથી આવી ? એ એક મોટો પ્રશ્ન છે. આ એકાઉન્ટની વિગતો હેકિંગ કરી અથવા મોટો ગુનો કરી મેળવવામાં આવી હોવાની આશંકા છે. આ અંગેની તપાસ એટીએસ જેવી સંસ્થા કરે તે માટે ડીજીપીને રજુઆત કરવામાં આવી હતી. આથી ડીજીપીએ સમગ્ર તોડકાંડની તપાસ એટીએસને સોંપી છે.
અનેક ખાતેદારો પાસેથી 20-20લાખ રૂપિયા લીધા હોવાનું અનુમાન
બેંક ખાતા ફ્રિઝ કર્યા બાદ એસઓજીના સ્ટાફે અનફ્રિઝ કરવા માટે 20-20 લાખ રૂપિયા લીધા હોવાનું ઊચ્ચ પોલીસ અધિકારીઓનું અનુમાન છે. આનું કારણ એ મનાય છે કે કાર્તિક ભંડારીને એએસઆઈ દિપક જાનીએ ગાંધીનગર, અમદાવાદમાં ખાતા અનફ્રિઝ કરવા માટે સાયબર ક્રાઈમ દ્વારા બેંક બેલેન્સની 80 ટકા રકમ લેવામાં આવે છે તેમ કહીને ઉમેર્યું હતું કે 'અન્ય એકાઉન્ટ 20 લાખમાં અનફ્રિઝ કર્યા છે, તમે 25 લાખ આપી દો એટલે વાત અહીં પૂરી. હજુ મારે કાલે સવારે રિપોર્ટ કરવાનો છે, સાહેબની સહી થઈ નથી, કાલે સવાર સુધી વિચારવાનો સમય છે, 20 લાખ જેણે આપ્યા છે તેમનું કામ થઈ ગયું છે તમે વિચારી લો.'