ગાયકવાડી શાસનમાં વૃક્ષ કાપનારને 50 રૂપિયા દંડ થતો, વૃક્ષ ઉછેરનારને 5 રૂપિયા ઈનામ મળતું

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ગાયકવાડી શાસનમાં  વૃક્ષ કાપનારને 50 રૂપિયા દંડ થતો,  વૃક્ષ ઉછેરનારને 5 રૂપિયા ઈનામ મળતું 1 - image

વડોદરા:  કોર્પોરેશનના શાસકોને વૃક્ષો અને પર્યાવરણની ભલે પડેલી ના હોય પણ વડોદરામાં આજે જેટલા ઘટાદાર વૃક્ષો જોવા મળે છે તેની પાછળનું કારણ તત્કાલીન ગાયકવાડ સરકારને પણ જાય છે. મહારાજા સયાજીરાવના શાસનકાળમાં વૃક્ષો કાપનારાઓ સામે આકરી કાર્યવાહી થતી હતી તો બીજી તરફ વૃક્ષો ઉગાડનારને રોકડ ઈનામ પણ અપાતું હતું તેવો ઉલ્લેખ તે સમયના સરકારી રેકોર્ડમાં જોવા મળે છે.

એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી એમએસસી કરનારા  વિદ્યાર્થી જયદીપ ગઢિયાએ  એકઝોટિક એન્ડ હેરિટેજ ટ્રીઝ ઈન બોટનિકલ ગાર્ડન પરના સંશોધન દરમિયાન ઉપરોકત જાણકારી વડોદરાના આર્કાઈવ્ઝમાંથી એકત્રિત કરી હતી. જયદીપ કહે છે કે, વૃક્ષ સબંધી નોંધ 1934...નામની પુસ્તિકામાં થયેલા ઉલ્લેખ પ્રમાણે વડોદરા રાજ્યમાં પરવાનગી વગર વૃક્ષ કાપવા માટે 50 રુપિયા દંડની જોગવાઈ હતી. એ સમયના મુકાબલે આ રકમ ઘણી વધારે કહી શકાય. તેની સાથે સાથે વૃક્ષો ઉછેરનારને ઈનામ આપવાની પણ નીતિ નક્કી કરવામાં આવી હતી.

જે પ્રમાણે સરકારી જમીનમાં જો કોઈ વૃક્ષ ઉછેરે તો પહેલા જે તે તલાટીએ તેની તપાસ કરવાની અને નોંધ કરવાની રહેતી હતી. વૃક્ષ ઉગાડનાર વ્યક્તિ 6 વર્ષ સુધી જો વૃક્ષોનુ જતન કરે તો તેને 30વૃક્ષો દીઠ પાંચ રુપિયા અને એ તેની ઉપર દર પાંચ વૃક્ષ દીઠ 1 રુપિયા વધારાનુ ઈનામ આપવાનુ રહેતુ હતુ. સાથે સાથે રસ્તાથી 30 ફૂટ અંદરના તેમજ જાહેર જમીન પર ઉગેલા વૃક્ષ નહીં કાપવા માટે અને તેને નુકસાન નહીં કરવા માટેના પણ કાયદા બનાવવામાં આવ્યા હતા.

જયદીપ કહે છે કે, આજે એમ.એસ.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં વિદેશથી મંગાવાઈને ઉછેરાયેલા 78 જેટલા વૃક્ષો જોવા મળે છે. આમાંથી સંખ્યાબંધ વૃક્ષો ગાયકવાડી શાસનકાળમાં અલગ અલગ દેશોમાંથી  મંગાવાયા હતા અને વડોદરામાં ઠેર ઠેર આ વૃક્ષો આજે ઉગેલા જોવા મળે છે.વડોદરા શહેરમાં વૃક્ષોની જે વિવિધતા જોવા મળે છે તે ગાયકવાડ સરકારની નીતિના કારણે છે.

1892માં વડોદરામાં હેડ માળીની પોસ્ટ હતી 

1892માં વડોદરા રાજ્યમાં બગીચાઓની સાર સંભાળ રાખવા માટે હેડ માળીની પોસ્ટ ઉભી કરવામાં આવી હતી.જેના હાથ નીચે બે આસિસટન્ટ માળી તથા બીજા કર્મચારીઓ કામ કરતા હતા.હેડ માળીને મહિને 25 રુપિયા પગાર આપવામાં આવતો હતો.

કયા દેશોમાંથી વૃક્ષો મંગાવીને ઉછેરાયા છે

ઈરાન, ચાઈના, વિએટનામ, બ્રાઝિલ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, સિંગાપુર, સાઉથ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકાના કેટલાક દેશોમાંથી  વડોદરામાં વૃક્ષો લાવવામાં આવ્યા છે.

વિદેશી વૃક્ષોને કોરોનાના દર્દીઓની જેમ ક્વોરેન્ટાઈન કરાતા હતાં 

કોરોના કાળમાં જે રીતે કોરોનાા દર્દીઓને ક્વોરેન્ટાઈન કરાતા હતા તે જ રીતે વિદેશથી વૃક્ષ લાવવામાં આવે તો તેને પણ બે દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવાનો નિયમ હતો.વૃક્ષ પહેલા જહાજ મારફતે વડોદરા રાજ્ય હેઠળના બંદર પર આવે તે બાદ તેને બે દિવસ માટે અલગ રાખીને તેના પર પેસ્ટિસાઈડ અને બીજી જરુરી  ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી અને એ પછી જે બગીચામાં તેને રોપવાનુ હોય ત્યાં લઈ જવાતુ હતુ.

ગાયકવાડી શાસનમાં દુનિયાના લગભગ તમામ હિસ્સાઓમાંથી વૃક્ષોને લાવીને વડોદરામાં ઉછેરવામાં આવ્યા હતા.ઉદાહરણ તરીકે વડોદરામાં પેરુથી સીતાફળના, બ્રાઝિલથી ગોરસઆમલીના વૃક્ષ લવાયા હતા.રાવણતાડના વૃક્ષો કમાટીબાગમાં મોટી સંખ્યામાં જોવા મળે છે.આ વૃક્ષો દીવ,કોડિનાર અને ઉનાથી 1892 થી 1895 દરમિયાન વડોદરા લાવીને ઉછેરવામાં આવ્યા હતા.યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં 78 જેટલા વિદેશી પ્રજાતિઓના વૃક્ષો છે.

મૂળ મેક્સિકોનું અને ભારે ઝેરી ગણાતું વૃક્ષ પણ વડોદરામાં છે

વડોદરામાં ચારેક જેટલા ઝેરી વૃક્ષો પણ હજી અસ્તિત્વમાં છે. જેમાંથી એક કમાટીબાગમાં છે. એક બોટનિકલ ગાર્ડનમાં છે અને અન્ય એક વૃક્ષ હોમસાયન્સ ફેકલ્ટીમાં છે. આ વૃક્ષનું નામ હિપ્પોમેન મન્સિનેલા છે. જે મૂળ મેક્સિકોનુ છે. આ વૃક્ષના પાંદડા અને થડમાંથી નીકળતુ દૂધ જેવુ સફેદ પ્રવાહી ઝેરી હોય છે. જે આંખમાં જાય તો કામચલાઉ અંધાપો લાવી દે છે. ભેજવાળી સિઝનમાં તેના પાંદડા કે થડના સ્પર્શથી ખંજવાળ પણ ઉપડતી હોય છે.

બોટનિકલ ગાર્ડનમાં 27 હેરિટેજ ટ્રી,  ચારની ઉંમર 100 વર્ષ

જયદીપ ગઢિયા કહે છે કે, યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં 27 જેટલા હેરિટેજ વૃક્ષો છે.જેમાંથી ચારની ઉંમર 100 વર્ષની છે. આ પૈકી એક ઓઈલ પામ એટલે કે તાડનું વૃક્ષનું મહારાજા સયાજીરાવના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. 27 હેરિટેજ વૃક્ષો પૈકી સ્ટ્રાયકનોસ નક્સ વોમિકા( ઝેર કોચલુ) 90 વર્ષ કરતા વધારે વયનુ છે. આ પ્રજાતિનુ આટલું જૂનું વૃક્ષ ગુજરાતમાં ક્યાંય નથી. આ જ રીતે ડાયસ્પિરોસ માલાબારિકા, માનિલકારા હેક્સાન્ડ્રા( રાયણ), કિગેલિઆ પિનાટા(ઉંધાફૂલો), એરટોકારપસ લકુચા(લકુચાનુ વૃક્ષ)ના સૌથી ઉંમરલાયક વૃક્ષો ગુજરાતમાં એક માત્ર યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં છે.

વડોદરા રાજ્યમાં 1895માં વેચાતા રોપાની કિંમત(ડઝનમાં)

ખેર- બે રુપિયા

લક્ષ્મણફળ- 6 રુપિયા

વાંસ - 3 રુપિયા

મીઠો લીમડો- 3 રુપિયા

નાળીયેરી- 1 રુપિયો

આંબો - 12 રુપિયા

સોનચંપો- 13 રુપિયા

ચાઈનિઝ લીંબુ- ચાર આના

વડ- બે રુપિયા


Google NewsGoogle News