Get The App

નાના વરાછા મેટ્રો ક્રેઈન તૂટી પડવાની ઘટનામા આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
નાના વરાછા મેટ્રો ક્રેઈન તૂટી પડવાની ઘટનામા આખરે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ 1 - image


સુરતના નાના વરાછા ખાતે ગત ગુરુવારે સાંજે મેટ્રોની ચાલતી કામગીરી દરમિયાન એક મકાન પર ક્રેઇન અને ગર્ડર લોન્ચર પડ્યું હતું. આ ઘટનામાં મેટ્રોએ તપાસ કમિટી બનાવી છે અને તપાસ કમિટિ સ્થળ પર વિવિધ માહિતી ભેગી કરવા સાથે તપાસ કરી રહી છે. ગુરુવારની ઘટના બાદ આખરે મેટ્રો રેલ કોર્પોરેશન  દ્વારા મંગળવારે કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોનને નોટિસ ફટકારી ત્રણ દિવસમાં ખુલાસો પૂછ્યો છે. 

સુરતમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત વધી રહ્યા છે. ગત ગુરુવારે નાના વરાછા ચીકુવાડી વિસ્તારના તપોવન સ્કૂલની સામે મેટ્રો પ્રોજેક્ટના એલિવેટેડ બ્રિજ પર ગર્ડર લોંચર મુકવાની કામગીરી ચાલતી હતી. દરમિયાન 135 ટનનો ગર્ડર બોક્સ સહિત બે ક્રેઇન તુટીને એક મકાન પર પડી હતી અને મકાનને ભારે નુકસાન થયું છે.આ ઘટના બાદ સુરતીઓમાં મે્ટ્રોની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.દરમિયાન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન  દ્વારા પાંચ સભ્યોની કમિટી બનાવી છે અને તપાસ શરુ કરી દેવામા આવી છે. સ્થળ પર જઈને કમિટી દ્વારા ક્રેઇનની કેપેસીટી અને અન્ય મશીનરી  સહિતની માહિતી ભેગી કરવામાં આવી રહી છે. ગુરુવારે આ ઘટના બની હતી ત્યાર બાદ  હાલમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન ને નોટિસ આપી ત્રણ દિવસમાં ખુલાસો માગ્યો છે. 

પ્રાથમિક તબક્કામાં કોન્ટ્રાક્ટરની બેદકારી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના બાદ હજી પણ તૂટેલી ક્રેઈન અને બોક્સનો કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી નથી. મેટ્રોના અધિકારીઓ કહે છે, કે ક્રેન ના તમામ સ્પેર પાર્ટસ છુટા કરી ઉતારવામાં આવશે.   ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે તપાસ કમીટી દ્વારા તપાસ ચાલુ છે અને રણજીત બિલ્ડકોનને ત્રણ દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે. સમગ્ર ઘટનામાં  જો કંપની દોષિત જણાશે તો એગ્રીમેન્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેનો પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે. 


Google NewsGoogle News