આખરે ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ વીસીનો બંગલો ખાલી કરીને રવાના
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે આજે આખરે વાઈસ ચાન્સેલર બંગલો ખાલી કર્યો છે.આજે ડો.શ્રીવાસ્તવ ટ્રકમાં સામાન ભરાવીને રવાના થઈ ગયા હતા.યુનિવર્સિટીનો એક પણ અધ્યાપક કે કર્મચારી તેમની વિદાય ટાણે દેખાયા નહોતા.
ઉલ્લેખનીય છે કે, વાઈસ ચાન્સેલર તરીકેની શૈક્ષણિક લાયકાતના મુદ્દે હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણીમાં હાઈકોર્ટે કરેલી લાલ આંખ બાદ તા.૮ જાન્યુઆરીએ ડો.શ્રીવાસ્તવે રાજીનામુ ધરી દીધું હતું પરંતુ તેઓ વાઈસ ચાન્સેલરનો સત્તાવાર બંગલો ખાલી કરી રહ્યા નહોતા.વાઈસ ચાન્સેલર તરીકે સર્વેસર્વા બનીને યુનિવર્સિટીને ચલાવનારા ડો.શ્રીવાસ્તવનું બંગલો ખાલી નહીં કરવાનુ વલણ ભારે ટીકાપાત્ર બન્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી બંગલો ખાલી કરાવવા માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓ તો દેખાવો પણ કરી રહ્યા હતા.વડોદરાના સાંસદે પણ ડો.શ્રીવાસ્તવને ઈ મેઈલ કરીને બંગલો ખાલી કરવા માટે કહ્યું હતું.આખરે અઢી મહિના બાદ વાઈસ ચાન્સેલરે બંગલો ખાલી કર્યો હતો.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા બંગલાનો કબજો પણ લઈ લેવામાં આવ્યો છે.નિયમ પ્રમાણે તો ડો.શ્રીવાસ્તવે બંગલાનો કબજો સોંપતી વખતે દસ્તાવેજ પર સહી કરવાની હોય છે પરંતુ તેની જગ્યાએ વાઈસ ચાન્સલેરના પીએ દ્વારા સહી કરાઈ હતી.મળતી વિગતો પ્રમાણે ડો.શ્રીવાસ્તવે અઢી મહિનાનું ભાડું પણ હજી સુધી ચૂકવ્યું નથી.આ ભાડું સત્તાધીશો ક્યારે અને કેવી રીતે વસુલશે તેના પર પણ સવાલો છે.