Get The App

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
Plane fighter crashed in Jamnagar


Fighter Plane Crashed In Jamnagar : ગુજરાતમાં મહેસાણા બાદ વધુ એક પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આજે બુધવારે (2 એપ્રિલ, 2025) જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં IAFના અધિકારી, કલેક્ટર, SP,  ફાયર વિભાગ ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે. પ્લેન ક્રેશ થવાથી એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક પાયલટ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

એક પાયલટ શહીદ, એક ઘાયલ

મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવડ રોડ નજીક સુવરડા ગામની સીમમાં ભારતીય વાયુસેનાનું તાલીમી ફાઈટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે વાડી વિસ્તારમાં અગન ગોળો બની ધડાકાભેર તુટી પડ્યું હતું. સીમમાં પ્લેનનો કાટમાળ વિખેરાયો હતો અને આગ પણ લાગી હતી. જો કે, ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, ઘટનાના પગલે એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક ઘાયલ થયો છે.

જામનગર SPએ જણાવ્યું હતું કે, ફાયરટર પ્લેનમાં બે પાયલટ સવાર હતા. ઘટના અંગે જામનગર કલેક્ટરે જણાવ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો છે. એક પાયલટ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

આ પણ વાંચો: VIDEO: ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અનેક સ્થળે વરસ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની વધી ચિંતા

મહેસાણામાં ટ્રેઇની મહિલા પાયલટનું પ્લેન ક્રેશ થયું હતું

રાજ્યમાં 31 માર્ચ, 2025ના રોજ મહેસાણાના ઍરોડ્રોમ પર ચાલી રહેલા પાયલટ ટ્રેનિંગ સેન્ટરમાંથી ટ્રેનિંગ દરમિયાન એક નાના વિમાને ઉડાન ભરી હતું, જે ઉચરપી ગામના ખેતરમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં એક ટ્રેઇની મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Tags :