ઝઘડાનું પોલીસ મથકે સમાધાન કરી મોપેડ પર જતા વેપારીને ઈનોવાથી ઉડાવી દેવા પ્રયાસ
વેપારી ભાઈ સાથે મોપેડ પર ઘરે જતા હતા ત્યારે પિતાના મિત્રના પુત્રએ અડફટે લેતા વેપારી મોપેડ પરથી ઉતરી જતા વધુ ઇજા થતા બચી
વેપારીના પિતાનો તેમના મિત્ર સાથે રૂ.5 લાખની લેતીદેતીના ઝઘડામાં ચાર અજાણ્યાએ ઘરે આવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો
- વેપારી ભાઈ સાથે મોપેડ પર ઘરે જતા હતા ત્યારે પિતાના મિત્રના પુત્રએ અડફટે લેતા વેપારી મોપેડ પરથી ઉતરી જતા વધુ ઇજા થતા બચી
- વેપારીના પિતાનો તેમના મિત્ર સાથે રૂ.5 લાખની લેતીદેતીના ઝઘડામાં ચાર અજાણ્યાએ ઘરે આવી ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો
સુરત, : સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા વેપારી નાણાંકીય લેતીદેતીના ઝઘડામાં પોલીસ સ્ટેશનમાં સમાધાન કરી મોપેડ પર ઘરે પરત જતા હતા ત્યારે તેમના પિતાના મિત્રના પુત્રએ તેમને ઈનોવા કારથી ઉડાવી દેવા પ્રયાસ કરતા સરથાણા પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નાના વરાછા તપોવન સર્કલ પાસે ગંગાજમના સોસાયટી ઘર નં.95 માં રહેતા 37 વર્ષીય દક્ષેશભાઈ મનુભાઈ સરધારા કાપોદ્રા ચીકુવાડી સીએનજી પંપ પાસે ભુરખીયા ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે.તેમના પિતા અને મોટો ભાઈ અશ્વિન જમીન અને મકાન લે-વેચનો ધંધો કરે છે.ગત સોમવારે રાત્રે આઠ વાગ્યે તે ઘરે પરિવાર સાથે બેઠા હતા ત્યારે તેમના પિતાના મિત્ર બાબુ સવજી મોરડીયાના પુત્ર જીગ્નેશનો ફોન આવતા તેમણે પિતા સાથે વાત કરાવી હતી થોડીવાર બાદ તેમના ઘરના કમ્પાઉન્ડમાં આવેલા ચાર અજાણ્યાએ તેમની જીગ્નેશ અને તેના પિતા સાથે વાત કરાવી ગાળાગાળી કરી હતી.તે પૈકી એક વ્યક્તિએ દક્ષેશભાઈને કહ્યું હતું કે જીગ્નેશને તારે જે પૈસા આપવાના છે તે પૈસા તારે હવે અમને આપવા પડશે.બાદમાં તેમણે ઝઘડો કરતા દક્ષેશભાઈએ પોલીસને જાણ કરતા મામલો સરથાણા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
પોલીસ સ્ટેશનમાં આ અંગે સમાધાન બાદ દક્ષેશભાઈ અને મોટો ભાઈ અશ્વિન મોપેડ પર ઘરે પરત ફરતા હતા ત્યારે વ્રજવિલા રેસીડેન્સી પાસે ડીવાડર પાસે યુટર્ન લેતી વેળા જીગ્નેશે પોતાની ઈનોવા તેમની તરફ સ્પીડમાં લાવતા દક્ષેશભાઈ ઉતરી ગયા હતા.તેમ છતાં જીગ્નેશે તેમને અડફટે લેતા ઈજા થઈ હતી.આ મામલે દક્ષેશભાઈએ જીગ્નેશ બાબુભાઈ મોરડીયા, તેના પિતા બાબુભાઈ સવજીભાઈ મોરડીયા ( બંને રહે.ઘર નં.બી-12, શ્રીરામનગર સોસાયટી, હીરાબાગ, કાપોદ્રા, સુરત ), કારમાં જીગ્નેશ સાથે સવાર ભાવેશભાઈ અને ચાર અજાણ્યા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.