Get The App

પાટણમાં ચૌધરી સમાજની સાધારણ સભામાં મારામારી બાદ પથ્થરમારો, 10થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
પાટણમાં ચૌધરી સમાજની સાધારણ સભામાં મારામારી બાદ પથ્થરમારો, 10થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Akhil Ajana Chaudhary Samaj : પાટણ ખાતે અખિલ આંજણા ચૌધરી સમાજની સાધારણ સભા મળી હતી. સભાના અધ્યક્ષ સ્થાનને મામલે બે જૂથ પડી જતાં હોબાળો થયો હતો અને બે જૂથ વચ્ચે ઘર્ષણ થતાં નાસભાગ થઈ ગઈ હતી અને છૂટ્ટા હાથની મારામારી તથા પથ્થરમારો થતાં સમાજના 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મામલો ઉગ્ર ના બને તે માટે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે.

સભાના અધ્યક્ષ સ્થાનના મુદ્દે બે જૂથ પડી જતાં હોબાળા બાદ છૂટ્ટા હાથની મારામારી

પાટણની આદર્શ વિદ્યાલય ખાતે રવિવારે અખિલ આંજણા સમાજની સાધારણ સભા યોજાઈ હતી. આંજણા સમાજની યોજાયેલી આ સભામાં મુખ્ય મુદ્દો સમાજના પ્રમુખ તેમજ હોદ્દેદારોની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ તેમજ હોદ્દેદારોની વરણી કરવાનો હોવાથી સમાજમાં બે જૂથ પડી ગયા હતા અને જોત જોતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા. જેના કારણે સભામાં હોબાળો થયો તેમજ ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ સર્જાયું હતું.

મામલો વધુ ઉગ્ર બનતાં સભામાં એકબીજા ઉપર ધોકાઓ વડે તેમજ પથ્થરો વડે મારો કરવામાં આવ્યો હતો. જેમાં બન્ને જૂથના લોકોને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ કરાતાં પાટણ બી ડિવીઝન પોલીસ અને 108ને ટીમ તરત જ આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સભાએ આવી પહોંચી હતી. 

આ પણ વાંચો : નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો ગોઝારો અકસ્માત, 4ના મોત, 25થી વધુ ઘાયલ

જોકે સામાજિક ઝઘડો વધુ ઉગ્રરૂપ ધારણ ના કરે તે માટે મામલને શાંત પાડવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. સભામાં સામસામે થયેલા ઝઘડામાં 10થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે પાટણ સિવિલ અને ધારપુર મેડિકલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

સામાજિક ઝઘડામાં કેમ મામલો ઉગ્ર બન્યો અને કોના કોના દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવ્યા તે બાબતને લઈને પાટણ પોલીસ દ્વારા ઘાયલ થયેલા ઈજાગ્રસ્તોના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે તેવી વિગત પાટણ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News