મકાનની લોનનો હપ્તો ભરવાના મુદ્દે બે મિત્રો વચ્ચે તકરાર થતા પાઇપથી હુમલો
Vadodara : વડોદરાના વાઘોડિયા રોડ તિરુપતિ નગરમાં રહેતા જીગ્નેશભાઈ નાથુભાઈ પરમાર જમીન લે-વેચમાં ધંધો કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2023 માં મારે પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી. બેંકમાં મારો શિબિલ ખરાબ હોવાથી તારીખ 10-3-2023 ના રોજ મારું મકાન મારા મિત્ર મેહુલ અશોકભાઈ કહાર (રહેવાસી શિવમ પાર્ક સોસાયટી વાઘોડિયા રોડ) ને વેચી દીધું હતું. તેને મકાન પર બેંક ઓફ બરોડામાંથી 25.50 લાખની લોન લીધેલી જે પૈસા મને મળી ગયા હતા અને મેં મકાનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. એક વર્ષ પછી મેહુલ કહાર મકાનનો દસ્તાવેજ મારા નામ પર કરી દેવાનું તથા તેને લીધે લોનનો હપ્તો 25000 મારે ભરવાનો છે તેવી મૌખિક વાતચીત થઈ હતી.
જેથી એક વર્ષ પૂરું થતાં મેં મેહુલ કહારને મકાનનું બાનાકત કરી આપવા જણાવ્યું પરંતુ તે મને મકાન ખાલી કરવાનું કહેતો હતો. ગત 13મી તારીખે બપોરે 2:30 વાગે મેહુલ કહારે ફોન કરીને મકાનને લોનનો હપ્તો આપવા માટે મને કહેતા મેં તેને કહ્યું હતું કે આવતીકાલે બાનાખત મને કરી આપ્યા પછી મકાનનો હપ્તો ભરીશ. 13મી તારીખે રાત્રે 8:00 વાગે મેહુલ મારા ઘર પાસે આવ્યો હતો અને હપ્તાની રકમ માંગી હતી. તેણે મને ઘરની બહાર બોલાવતા હું બહાર ગયો હતો. તું લોનનો હપ્તો કેમ ભરતો નથી તેમ કહીં જાતિ અપમાનિત શબ્દો કહી મને ગાળો બોલવા લાગ્યો હતો. હું ઘરમાં જતો હતો ત્યારે પાછળથી મને ધક્કો મારતા હું પડી ગયો હતો. દાદર પાસેની લોખંડની પાઈપ લઈને તેને મને જમણા પગ અને ડાબા ખભે ઇજા પહોંચાડી હતી. મારા ઘરની સામે તો નિલય દોડી આવ્યો હતો. તેણે મેહુલ કહારને પકડી લઈ પાઇપ છીનવી લીધી હતી. મેહુલે મને છાતી તથા બરડાના ભાગે માર માર્યો હતો. મને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર ખાલી કરી દેવા કહ્યું હતું. મને મનમાં લાગી આવતા મેં રસોડામાં જઈ ફીનાઇલ પી લીધું હતું. મારી પત્નીને જાણ થતાં તે મને હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવી હતી.