ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવા મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું
બંને પરિવારોની ચાર મહિલા સહિત સાતને ઇજા ઃ સામ સામે પોલીસ ફરિયાદ
વડોદરા, તા.11 વડોદરા નજીક વરણામા ગામમાં ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવા બાબતે બે પરિવાર વચ્ચે ઉગ્ર મારામારી થઇ હતી. લોખંડની પાઇપ, ધોકા સહિતના હથિયારોથી થયેલા હુમલામાં ચાર મહિલા સહિત સાત વ્યક્તિને ઇજા થઇ હતી.
વરણામામાં પોસ્ટ ઓફિસવાળા ફળિયાના મૂળ રહીશ પરંતુ હાલ તરસાલીમાં મોતીનગર પાસે મહાબલી રેસિડેન્સીમાં રહેતા પ્રિન્સ કમલેશ જાદવે તેમના ફળિયામાં રહેતા આશિષ પ્રકાશ ચૌહાણ, કલ્પેશ છગનભાઇ ચૌહાણ, ધુ્રવ કલ્પેશ ચૌહાણ અને જગદીશ પ્રકાશભાઇ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૯ના રોજ હું મારા ઘરના સભ્યો સાથે તરસાલીથી વરણામા ખાતે ગયો હતો ત્યારે મારા ઘરની સામે રહેતા આશિષે બૂમ મારી કહેલ કે ભયલું તું અહી આવ જેથી હું ત્યાં ગયો ત્યારે મને લોખંડની પાઇપ મારતા બૂમાબૂમ કરતા ફળિયાના કમલેશ સોલંકી તેમજ મારી માતા હેતલબેન છોડાવવા આવતા તેમને પણ માર માર્યો હતો.
સામા પક્ષે રેખા પ્રકાશ ચૌહાણે પ્રિન્સ કમલેશ જાદવ, કમલેશ જગદીશ જાદવ, હાર્દિક કમલેશ જાદવ અને ચિરાગ મોહન સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રિન્સ મારા ઘરની સામે ઊભો રહીને ગમે તેમ બોલતા મારા પુત્ર આશિષે કહેલ કે ભાણા અહીં આવ અને આવા ઇન્સ્ટાગ્રામ પર કેમ આવા સ્ટેટસ મૂકે છે તેમ કહેતાં પ્રિન્સ ઉશ્કેરાયો હતો અને દોડીને આવી મારા પુત્રને માર માર્યો હતો. મારા દિયર કલ્પેશભાઇ, દિયરની પુત્રી દિવ્યા ઉલ્ફે વિદ્યા અને મારા સાસુ લલિતાબેન વચ્ચે પડતાં તેમને પણ બધાએ ભેગા મળીને માર માર્યો હતો.