અટલાદરા નારાયણવાડી પાસે જૂના ઝઘડાની અદાવતે પાડોશી વચ્ચે મારામારી
અટલાદરા નારાયણવાડી નજીક મેફે સનરાઇઝ સોસાયટીમાં પાડોશી વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. એક પાડોશી સામે મારામારી અને બીજા પાડોશી સામે અટલાદરા પોલીસે દારૃનો નશો કર્યાનો ગુનો દાખલ કર્યા છે.
અટલાદરા નારાયણવાડી નજીક મેફે સનરાઇઝ સોસાયટીમાં રહેતા હાર્દિકભાઇ રસિકભાઇ ભટ્ટ એગ્રીકલ્ચરમાં નોકરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે હું નોકરી પરથી છૂટીને ઘરે આવતો હતો. નારાયણવાડી પાસે ગલ્લા પર ગયો હતો. તે સમયે અમારી સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ સુરેશભાઇ પટેલ પણ ત્યાં ગલ્લા પર ઉભા હતા. બે મહિના અગાઉ નાના બાળકો બાબતે ભાવેશભાઇ સાથે ઝઘડો થયો હતો. પરંતુ, સોસાયટીના વડીલો વચ્ચે પડતા અમારે સમાધાન થઇ ગયું હતું. ગઇકાલે મેં તેઓને પૂછ્યું કે, તમારે મારી સાથે શું માથાકૂટ છે ? મારી વાત સાંભળીને ભાવેશભાઇએ મારી ફેંટ પકડી મને જમીન પર નીચે પાડી દઇ માર માર્યો હતો. નજીકમાંથી પથ્થર ઉપાડી મને આંખ પર મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ગલ્લા પર ઉભેલા લોકોએ અમને છોડાવ્યા હતા. પોલીસ અમને બંનેને પોલીસ સ્ટેશન લઇ આવી હતી. હાર્દિક ભટ્ટે દારૃનો નશો કર્યો હોઇ તેની સામે પણ પોલીસે પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે.