મુળીના રાણીપાટમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી
- ઘર નજીક લઘુશંકા કરવા મુદ્દે
- બંને પરિવારે સામસામી ફરિયાદ નોંધાવતા છ શખ્સ સામે ગુનો
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના રાણીપાટ ગામની સીમમાં આવેલ વાડીમાં બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. બંને પરિવાર દ્વારા સામસામે ૬ શખ્સો વિરૂધ્ધ મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ઘર પાસે આવેલ સરકારી જમીનમાં લધુશંકા કરવા બાબતે મારામારી થઈ હોવાનું સામે અવ્યું છે.
રાણીપાટ ગામે કાળુભાઈ ભોપાભાઈ બારૈયા, તેમના ભાઈઓ ગીધાભાઈ, ધનાભાઈ, રાણીપાટની હાડીયાની સીમમાં આવેલી વાડીમાં કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન તેમના કૌટુંબિક ભાઈ સુનીલભાઈ બારૈયાએ તેમના ઘર પાસે આવેલી સરકારી ખરાબાની જમીનમાં લધુશંકા તેમજ શૌચક્રિયા કરતા હોવાનું જણાવી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી.
કાળુભાઈએ ગાળો બોલવાની ના પાડતા કૌટુંબિક ભાઈ સુનીલભાઈ તેમના પિતા અને દિકરાએ એકસંપ થઈ કાળુભાઈને અને તેમના બે ભાઈઓને લાકડી વડે માથાના ભાગે તેમજ શરીરના ભાગે આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર કાળુભાઈએ મુળી પોલીસ મથકે ધુસાભાઈ મોતીભાઈ બારૈયા, સુનીલભાઈ ધુસાભાઈ બારૈયા અને દિપકભાઈ ધુસાભાઈ બારૈયા (તમામ રહે.રાણીપાટ તા.મુળી) સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ધુસાભાઈ મોતીભાઈ બારૈયાએ પણ કાળુભાઈ ભોપાભાઈ બારૈયા, ગીધાભાઈ ભોપાભાઈ બારૈયા અને ધનાભાલઈ ભોપાભાઈ બારૈયા સામે મારી નાંખવાની અને લાકડી વડે ઈજાઓ પહોંચાડયાની મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.