સિક્કામાં દહેજનો સામાન ભરવા ગયેલા બે પરિવાર વચ્ચે ડખ્ખો : માથાકૂટમાં બે મહિલા સહિત ત્રણને ઈજા, સામસામે ફરિયાદ દાખલ
Jamnagar : સિક્કા ગામે દંપતિના છૂટાછેડા થયા બાદ ઘરવખરીનો સામાન ભરવા ગયેલા બે પરિવાર વચ્ચે આ વેળાએ ઉગ્ર બોલાચાલી થતાં એકબીજા પર હુમલો કરતા બે મહિલા સહિત ત્રણને નાની મોટી શરીરે ઈજા પહોંચી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળાગાળી કરવા બદલ ફરિયાદ નોંધાવાતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે તપાસ આરંભી છે.
જામનગરના સિક્કા ગામે મારૂતિનગર ખાતે રહેતાં કમલેશભાઈ રમેશભાઈ બુજડ (ઉ.વ.41) તથા પરિવારના દીપુબેન સાથે બોલાચાલી કરી પ્રવીણભાઈ વોરિયા, હાર્દિક પ્રવીણભાઈ, સહદેવ પ્રવીણભાઈ, જ્યોત્સના પ્રવીણભાઈ અને અનસોયા ગોવિંદભાઈ નામના પાંચેય શખ્સે એકસંપ કરી લાકડાંના ધોકા વડે હુમલો કરતાં દીપુબેનને માથાના ભાગે, કમલેશભાઈને પગમાં, ડાબા હાથમાં તથા કપાળમાં પાંચ ટાંકાની ઈજા પહોંચી હતી. આ ઉપરાંત તેઓને બચકા ભરી મુંઢ ઈજા પહોંચાડી, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા કમલેશભાઈ બુજડ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે.
જ્યારે સામાપક્ષે હાર્દિકભાઈ પ્રવીણભાઈ દ્વારા કમલેશભાઈ બુજડ, મધુબેન રમેશભાઈ બુજડ, દીપુબેન દિનેશભાઈ મથ્થર નામના ત્રણેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓના માતા સાથે ઝપાઝપી કરી માથાના ભાગે હુમલો કરી બે ટાંકાની ઈજા પહોંચાડી તેમજ હાર્દિકભાઈને પાછળથી પકડી લાકડાંના ધોકા વડે મારકૂટ કરી અપશબ્દો કહી મારી નાખવાની ધમકી આપ્યાનું જણાવાયું છે. સિક્કા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વધુમાં કમલેશભાઈની ભાણેજ ઉર્વશીબેનના લગ્ન હાર્દિક વોરિયા સાથે થયા હોય, ત્યારબાદ છૂટાછેડા થઈ ગયા હતા. દરમ્યાન કમલેશભાઈ તેણીના ભાણેજની ઘરવખરીનો સામાન ભરવા ગયા હોય, આ વેળાએ ઉગ્ર બોલાચાલી થતાં મામલો બિચકયો હોવાનું ખુલવા પામ્યું છે.