રાજકોટમાં ડેંગ્યુ કેસોમાં પચાસ ટકા વધારો,શિયાળામાં પણ કહર જારી
ખુદ મનપાની મુખ્ય ઓફિસમાં મચ્છરોને વસ્તી વધારવા નોતરું !
મિશ્ર ઋતુ જેવા હવામાનથી શરદી-ઉધરસના કેસો ૧૦૦૦ને પાર થયા, તાવ અને સ્નાયુ
દુખાવા સહિતના કેસો પણ વધ્યા
રાજકોટ : રાજકોટમાં ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે ડેંગ્યુના કેસોમાં ૪૮.૬૮ ટકા એટલે કે આશરે પચાસ ટકાનો વધારો માત્ર મનપાના ચોપડે નોંધાતા કેસો મૂજબ નોંધાયેલ છે. આ ઉપરાંત શહેરમાં ખાનગી હોસ્પિટલ કે દવાખાનામાં સારવાર લેવાઈ હોય અને કેસ ન નોંધાયા હોય તેવા અનેક કેસ હોવાની શક્યતા નકારાતી નથી. ચિંતાજનક વાત એ છે કે કડકડતી ઠંડીવાળા શિયાળામાં પણ ડેંગ્યુનો ચેપ પ્રસરવાનું જારી રહ્યું છે અને ઈ.સ.૨૦૨માં ગત સપ્તાહે વધુ ૨ સહિત ૫ કેસો નોંધાયા છે.
ડેંગ્યુ એ એડીસ ઈજીપ્ટી પ્રકારના મચ્છરોથી ફેલાય છે. માદા
મચ્છરને મનુષ્યના લોહીમાંથી પોષણ મળતું હોય તે દિવસના સમયે જ કરડીને આ ચેપ ફેલાવે
છે. ગંભીર વાત એ છે કે સઘન કામગીરીના દાવા વચ્ચે પણ રાજકોટમાં શિયાળામાં આ દિવસના
મચ્છરોનો ત્રાસ પણ યથાવત્ રહ્યો છે. આ જ મચ્છરોથી ગુજરાતમાં આ વર્ષે ઝીકા વાયરસના
કેસો પણ નોંધાયેલા છે ઉપરાંત ચિકનગુનિયાના અનેક કેસો પણ નોંધાયેલા છે.
મનપા દ્વારા એક તરફ ગત સપ્તાહમાં ૩૯ હજાર ઘરોમાં પોરાનાશક
કામગીરીનો, ૬૮૮
ઘરોમાં ફોગીંગ સહિતની કામગીરીનો દાવો કરાયો છે પરંતુ, બીજી તરફ ખુદ
મનપા કચેરી કે જ્યાં કમિશનર,મેયર,આરોગ્ય સહિતના
ઉચ્ચ અધિકારીઓ બેસે છે ત્યાં પરિસરમાં આવેલ ફૂવારાના ખાલી પડેલા કુંજમાં બંધિયાર
પાણી જોવા મળે છે.
ઘણીવાર તો ખબર પણ ન પડે તેવો જરાક ચટકો ભરીને આ મચ્છર ગંભીર
પ્રકારના રોગના વિષાણુ શરીરમાં નાંખી જાય છે જેના પગલે વારંવાર ઘર-ઓફિસમાં બંધિયાર
પાણી કે જે ટાયર,ડબલા,કુંડી,અવેડા,ટાંકી,છોડના કે પંખીને
પીવાના કુંડા વગેરેમાં રહેતું હોય તેને સાફ કરવા અને દિવસના સમયે આખુ શરીર ઢંકાય
તેવા વસ્ત્રો પહેરીને મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવા સલાહ અપાતી રહી છે.
ઘડીક ઠંડી અને ઘડીક ગરમી
જેવા વારંવાર ડિસ્ટર્બ થતા હવામાનથી વાયરલ
શરદી-ઉધરસના કેસોમાં પણ વધારો થયો છે. ગત સપ્તાહમાં માત્ર મનપાના ચોપડે જ તેના
૧૦૩૨ કેસો સહિત ગત એક માસમાં રાજકોટમાં શરદી-ઉધરસના ૪૭૯૪ કેસો અને સામાન્ય તાવના
ગત સપ્તાહે ૮૬૬ સહિત મહિનામાં ૩૮૫૨ કેસો નોંધાયા છે. આ ઉપરાંત સ્નાયુના દુખાવા
સહિત અન્ય રોગનું પ્રમાણ પણ વધારે હોય શિયાળો પણ આરોગ્યની ઋતુ રહ્યો નથી.