વડોદરાથી પ્રયાગરાજની પાંચમી ટ્રેનની પણ તમામ ટિકિટો બૂક
વડોદરાઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે આખા દેશમાં લોકો આતુર છે.અત્યાર સુધીમાં ૫૦ કરોડ લોકો સ્નાન કરી ચૂકયા પછી પણ ભાવિકોનો ધસારો ઓછો નથી થઈ રહ્યો.
લોકો જે મળે તે વાહન લઈને કુંભમાં પહોંચી રહ્યા છે ત્યારે વડોદરાથી આજે ચોથી કુંભ સ્પેશ્યલ ટ્રેન પ્રયાગરાજ જવા રવાના થઈ હતી.આ ટ્રેનની પણ તમામ ટિકિટો પહેલા જ બૂક થઈ ગઈ હતી.વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનથી તેમાં ૧૩૧, વડોદરા સ્ટેશન ખાતેથી ૮૧૭ અને ગોધરા ખાતેથી ૧૪૦ ભાવિકો આ ટ્રેનમાં બેઠા હતા.આમ કુલ ૯૮૮ લોકો આ ટ્રેનથી પ્રયાગરાજ જવા રવાના થયા હતા.
મળતી વિગતો પ્રમાણે વડોદરાથી કુંભમેળા માટેની આજે ચોથી ટ્રેન હતી.અગાઉની ત્રણ ટ્રેનો હાઉસફુલ હતી અને ચોથી ટ્રેનની પણ તમામ ટિકિટો બૂક થઈ ગયા બાદ હવે તા.૨૨મીએ પાંચમી ટ્રેન વડોદરાથી રવાના થશે અને તેની પણ તમામ ટિકિટો બૂક થઈ ચુકી છે.જેના પગલે તા.૨૪મીએ છઠ્ઠી ટ્રેન ઉપાડવા માટે પણ માગ થઈ રહી છે.રેલવે અહીંથી છઠ્ઠી ટ્રેન દોડાવે તેવી પણ શક્યતા છે.
નવી દિલ્હી ખાતે રેલવે સ્ટેશન પર બે દિવસ પહેલા થયેલી ધક્કામુક્કીમાં લોકોએ જીવ ગુમાવ્યા બાદ આજે આ ટ્રેન રવાના થઈ ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર અને વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.