ટંકારાના હનીટ્રેપ કેસમાં ફરાર પાંચમો આરોપી પણ ઝડપાયો
- અગાઉ ચાર શખ્સોની ધરપકડ બાદ
- મહિલાને વેપારી યુવાનનો મોબાઈલ ફોન નંબર આપીને રૂપિયા પડાવવા માટે હનીટ્રેપમાં ફસાવવાની ટીપ આપ્યાનું ખુલતા કાર્યવાહી
મોરબી : ટંકારા તાલુકાના હરીપર ગામના યુવાનને હનીટ્રેપમાં ફસાવી અપહરણ કરી રૂપિયા ૫ લાખ લેનાર ગેન્ગના મુખ્ય ટીપ આપનાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
હરીપર ગામના રહેવાસી વેપારી યુવાનનો મોબાઈલ પર સંપર્ક કરી દેવુબેન ઉર્ફે પુજાબેન નામની મહિલાએ પરિચય કેળવી ગત તા.૧૭નાં રોજ કારમાં મળવા ગયેલ અને છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં આવી સંજય પટેલ, હાર્દિક મકવાણા, ઋત્વિક રાઠોડ સહિતના પાંચ ઈસમોએ યુવાનનું અપહરણ કરી દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી કુલ રૂપિયા ૫ લાખ પડાવી લીધા હતાં. જે બનાવ મામલે ગત તા.૧૯નાં રોજ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી લઈને રોકડ રૂા ૫ લાખ સહીત ૮.૨૫ લાખનો મુદામાલ રીકવર કર્યો હતો.
જે ગુનામાં ફરિયાદીના મોબાઈલ નંબર સ્ત્રી આરોપીને આપી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મુખ્ય ટીપ આપનાર આરોપી રણછોડ ભીખાભાઈ રબારી રહે. સજનપર, તા. ટંકારા હોવાનું ખુલતા આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.