ભરચક ચૌટા બજારમાં લેડીઝ ડ્રેસ મટીરીયલની દુકાનમાં ભીષણ આગ
- આગના લીધે લેડીઝ કુર્તા, વિવિધ કપડા, વિવિધ મટીરીયલ્સ, એ.સી સહિતનો સામાન બળી ગયો
સુરત :
ચૌટા બજારમાં જુના સાંઈબાબાના મંદિર પાસે આજે શુક્રવારે બપોરે લેડીઝ ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ સકટ થતા આગ ભડકી ઉઠી હતી. જોકે આગે ભીષણ સ્વરૃપ ધારણ કરતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ચૌટા બજારમાં જુના સાંઈબાબાના મંદિર પાસે ત્રણ માળના દલાલ ચેમ્બર્સમાં આજે શુક્રવારે બપોરે અંદાજીત પોણાબાર વાગ્યે બીજા માળે આવેલી લેડીઝ ડ્રેસ મટીરીયલની દુકાનમાં ઈલેક્ટ્રીક બોર્ડમાં સ્વીચ પાડતાની સાથે જ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગ ફેલાતા ગંભીર સ્વરૃપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતા. જોકે આગની જ્વાળા પહેલા માળની દુકાનો અને બાજુની દુકાનના સાઇન બોર્ડ લાગતા નુકસાન થયુ હતુ. જેના લીધે બિલ્ડિંગમાં હાજર વ્યક્તિઓ તરત બહાર દોડી ગયા હતા અને ત્યાં હાજર લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી. કોલ મળતા ૪ ફાયર સ્ટેશનની ૯ ફાયરની ગાડી સાથે લાશ્કરો ઘટના સ્થળે ઘસી ગયા હતા. જોકે ધુમાડો વધુ હોવાથી ૬ થી ૭ ફાયર જવાનો ઓક્સિજન માર્ક્સ પહેરીને આગ બુઝાવવાની કામગીરી કરતા દોઢ કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હોવાથી ટ્રાફિક જામ થઇ ગયો હોવાનું સુત્રો જણાવ્યું હતું. આગના લીધે લેડીઝ કુર્તા, વિવિધ કપડા, વિવિધ મટીરીયલ્સ, એ.સી,પંખા, ફર્નીચર, ખુરશી, વાયરીંગ સહિતનો સામાન અને ચીજવસ્તુઓ બળી ગઇ હતી. જોકે આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.
આગનો કોલ મળતા ફાયર વિભાગના જવાનો ફાયર ફાયટર સાથે તાત્કાલિક નીકળી ગયા હતા. પરંતુ ચૌટા બજારમાં પારાવાર ગેરકાયદે દબાણ ના કારણે ફાયરના વાહનોને આવવા જવામાં મુશ્કેલી પડી હતી. આ દબાણ દુર કરવા માટે ફાયરની ગાડી દ્વારા સતત સાયરન વગાડવામાં આવતી હતી પરંતુ માથા ભારે દબાણ કરનારાઓનો કોઈ ફેર પડયો ન હતો અને માંડ માંડ ફાયર ની ગાડી નીકળી શકી હતી.