Get The App

ખાતરની અછત - વઢવાણમાં યુરિયા ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની કતારો લાગી

Updated: Dec 14th, 2024


Google NewsGoogle News
ખાતરની અછત - વઢવાણમાં યુરિયા ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની કતારો લાગી 1 - image


- સરકાર તાત્કાલીક ખાતરની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી

- જરૂરિયાત મુજબ યુરિયા ખાતર ન મળતા શિયાળુ પાકના ઉત્પાદન પર અસર થવાની શક્યતા 

સુરેન્દ્રનગર : વઢવાણ માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ ખાતરના ડેપો પરથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે. ડેપોમાં ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતાં પરંતુ ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ વાવેતરની શરૂઆત થઇ ત્યારથી ખાતરની અછત જોવા મળી રહી છે અને ખાતરની તંગીના કારણે ખેડૂતોને રઝળપાટ કરવાની નોબત આવી છે. ત્યારે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં આવેલા ખેડૂત સહાય કેન્દ્ર પર યુરિયા ખાતરનો જથ્થો લેવા માટે ખેડૂતોને લાંબી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. ખાતરના ડેપો પર ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણ થતાં ખેડૂતો મોટી સંખ્યામાં ડેપો પર પહોંચી ગયા હતા જેથી અવ્યવસ્થા સર્જાતા અંતે ખેડૂતોને ખાતર લેવા માટે લાંબી લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી હતી. હાલ ખેડૂતોએ જીરૂ, ચણા, ઘઉં, વરિયાળી સહીતના પાકનું વાવેતર કરી દીધું છે. ત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે તેવા સમયે જ ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે યુરિયા ખાતરની હાલ માત્ર છ થેલી જ આપવામાં આવે છે જેના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ખાતરની અછતના કારણે શિયાળુ પાકમાં ઉતારો ઓછો આવતા ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.



Google NewsGoogle News