વડોદરાના અટલાદરામાં દબાણ હટાવ ઝુંબેશ : 7 જેટલા ખેતરોની રોડ પર બનાવાયેલી ફેન્સીંગનો સફાયો
Vadodara : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફના આર્ય કોમ્પ્લેક્સથી સહજાનંદ સોસાયટી સુધીના 12 મીટરના રોડ રસ્તા પર આવેલા છ થી સાત જેટલા ખેતરોની ફેન્સીંગના કરાયેલા દબાણ પર પાલિકા તંત્રના દબાણ શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું. જેથી વિસ્તારનો રોડ-રસ્તો ખુલ્લો થતાં વાહન ચાલકોમાં ખુશી વ્યાપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રની દબાણ શાખાનો બુલડોઝર ઠેક ઠેકાણે થયેલા ગેરકાયદે દબાણો પર ફરી રહ્યું છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસેના આર્ય કોમ્પ્લેક્સથી સહજાનંદ સોસાયટી સુધીના 12 મીટરના રોડ રસ્તા પર કેટલાક ખેતરો આવેલા છે આ ખેતરોને બનાવવામાં આવેલી ફેન્સીંગના રોડ રસ્તા પર થયેલા દબાણના કારણે 12 મીટરનો રોડ રસ્તો ખૂબ જ સાંકડો થઈ ગયો છે અને સામસામા વાહનો આવતા કેટલીક વાર અકસ્માતો પણ સર્જાય છે. આ અંગેની જાણ થતા જ પાલિકાની દબાણ શાખાની ટીમ બુલડોઝર સાથે ટાઉન ડેવલપમેન્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પહોંચી ગઈ હતી. જ્યાં તમામ માપણી કરીને છ થી સાત જેટલા ખેતરોની બનાવવામાં આવેલી ફેન્સીંગના દબાણથી 12 મીટરનો રોડ રસ્તો સાંકડો થઈ જતા આ તમામ ગેરકાયદે ફેન્સીંગ પર પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થવાથી વાહનચાલકોમાં ખુશી વ્યાપી હતી. દબાણ શાખાની કામગીરીમાં અટલાદરા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં સતત હાજર રહ્યો હતો.