રૃ.9550 ના રીવોર્ડ રીડીમ કરવાના નામે ખાનગી કંપનીની મહિલા ડિરેક્ટર સાથે 7.52 લાખની ઠગાઇ
symbolic |
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા હવે રિવોર્ડના નામે ઠગાઇ કરવામાં આવતી હોવાના કિસ્સા બની રહ્યા છે.વડોદરાની એક કંપનીન મહિલા ડિરેક્ટરે રીવોર્ડની રકમ લેવા જતાં રૃ.૭.૫૨ લાખ ગૂમાવ્યા છે
ભાયલી કેનાલ રોડ વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩ જી જુલાઇએ હું ફિઝિયોથેરાપી માટે ગોત્રી ગઇ હતી ત્યારે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તમારા રૃ.૯૫૫0 ના રીવોર્ડ આજે એક્સપાયર થાય છે,રીડીમ કરાવવા હોય તો લિન્ક ઓપન કરો તેમ લખ્યું હતું.
મહિલાએ લિન્ક ઓપન કરતાં એક ફોર્મ ખૂલ્યું હતું.જેમાં માંગેલી ડીટેલ ભરવામાં આવી હતી.ત્યારબાદ ઓટીપી આવ્યો હતો.પરંતુ મહિલાએ આ ઓટીપી શેર કર્યો નહતો.
મહિલાએ કહ્યું છે કે,થોડી વારમાં મને એક્સિસ બેન્કના કસ્ટમર કેરમાંથી કોલ આવ્યો હતો અને રૃ.૯૫ હજારનો ટ્રાન્ઝેક્શન કર્યો હોય તો ૧ દબાવો અને ના કર્યો હોય તો ૨ નંબર દબાવવા માટે કહ્યું હતું.જેથી મેં ૨ નંબર દબાવીને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.
ત્યારબાદ મેં બેન્કની સાઇટ પર જઇ ચેક કરતાં મારા એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૃ.૭.૫૨લાખ ઉપડી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સાયબર સેલને જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.