Get The App

વડોદરામાં કેટલીક મહિલા કોર્પોરેટરએ તિરંગા, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન બાબતે જવાબ આપવામાં લોચા માર્યા

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
વડોદરામાં કેટલીક મહિલા કોર્પોરેટરએ તિરંગા, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન બાબતે જવાબ આપવામાં લોચા માર્યા 1 - image


Vadodara : પ્રજાસત્તાક પર્વની ઉજવણી શહેરભરમાં ઠેર-ઠેર થઈ હતી. જ્યારે બીજી બાજુ હવે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. શહેરના તમામ કોર્પોરેટરો દ્વારા 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કારેલીબાગ ખાતે આવેલા ભાજપના નવા કાર્યાલય ખાતે કરવામાં આવી હતી.  જોકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કોર્પોરેટરો પૈકીની કેટલીક મહિલા કોર્પોરેટરો કેટલીક રાષ્ટ્રીય માહિતી વિશે તદ્દન અજાણ છે.

સામાન્ય રીતે આ તમામ બાબતો સ્કૂલના પ્રાથમિક શિક્ષણમાં ભણાવવામાં આવે છે છતાં પણ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેના કેટલાક સામાન્ય પ્રશ્નોના ઉત્તર પણ આપી શક્યા ન હતા. જેમાં વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર લીલાબેન મનુભાઈ મકવાણાને રાષ્ટ્ર ધ્વજમાં કેટલા રંગ કઈ જગ્યાએ હોય છે, તેઓ સામાન્ય પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ ઉપર હોય છે, અને કેસરી રંગ વચ્ચે જ્યારે લીલો રંગ સૌથી નીચે હોય છે તેમ જણાવી રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચેનો તફાવત પણ આ મહિલા કોર્પોરેટરને ખબર ન હતો. આવી જ રીતે રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો હતો? એવો પ્રશ્ન અન્ય મહિલા કોર્પોરેટર વોર્ડ 11ના સંગીતાબેન મુકેશ ચંદ્ર ચોક્સીને પૂછવામાં તેમણે ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન બાબતે પૂછતા તેમણે ભારત ભાગ્યવિધાતા હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન કોણે લખ્યા છે તેમ પૂછતા તેમણે ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. આવી જ રીતે વોર્ડ નં.3ના રૂપલબેન ચિરાગભાઈ મહેતાને પણ રાષ્ટ્રધ્વજ બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન વચ્ચેનો તફાવત શું છે તેવો સામાન્ય પ્રશ્ન તેમણે જવાબ આપ્યો હતો કે રાષ્ટ્રગીત જન ગણ મન છે જે કોઈપણ ઇવેન્ટની શરૂઆતમાં ગવાય છે જ્યારે રાષ્ટ્રગાન ભારત ભાગ્યવિધાતા કાર્યક્રમના અંતે ગાવામાં આવે છે. આ બંને ગીતો કોણે લખ્યા છે એ બાબતે મહિલા કોર્પોરેટર રૂપલબેન મહેતાએ અજાણ હોવાનું જણાવ્યું હતું. 

દેશના રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત વચ્ચેના સામાન્ય જ્ઞાન જેવા પ્રશ્નોથી અજાણ અનેક નગરસેવકો હોઈ શકે છે. માટે જ્યારે કોઈપણ સામાન્ય ચૂંટણીમાં જે કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી રજૂ કરે તેમને આવા સામાન્ય પ્રશ્નોનું જ્ઞાન હોવું આવશ્યક છે. કારણ કે કોઈપણ કાર્યક્રમમાં લોકો પોતપોતાના વિસ્તારના ચૂંટાયેલા સભાસદોને બોલાવતા હોય છે. જેમાં પોતાની અજ્ઞાનતા છતી ન થાય એ બાબતે કાળજી રાખવી જરૂરી બને છે.


Google NewsGoogle News