Get The App

વેસુની સ્કૂલના મહિલા એકાઉન્ટન્ટ અને આસીસ્ટન્ટે ફી ના રૂ. 20 લાખ તફડાવ્યા

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
વેસુની સ્કૂલના મહિલા એકાઉન્ટન્ટ અને આસીસ્ટન્ટે ફી ના રૂ. 20 લાખ તફડાવ્યા 1 - image



- વાલીઓ પાસેથી પૂરેપૂરી ફીની રસીદ આપી પરંતુ સ્કૂલ કોપીમાં પોતાની મરજીથી ડિસ્કાઉન્ટ બતાવ્યુઃ એક વિદ્યાર્થીનો ચેક બીજા વિદ્યાર્થીમાં દર્શાવી 80 વિદ્યાર્થીની ફી માં ગરબડ કરી
- તપાસમાં ઉચાપતનો આંક વધવાની શકયતા, બંનેની ધરપકડ


સુરત

વેસુની એસ.ડી. જૈન સ્કૂલના મહિલા એકાઉન્ટન્ટ અને આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટે વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી વસુલી ત્યાર બાદ સ્કૂલની ફી રસીદની સ્કૂલ કોપીમાં ચેડા કરી ઓછી ફી દર્શાવી અંદાજે રૂ. 20 લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા મામલો ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

વેસુ ચાર રસ્તા સ્થિત એસ.ડી. જૈન સ્કૂલના વ્યવસ્થાપક સુરેન્દ્ર ઉત્તમચંદ મનોત (ઉ.વ. 71 રહે. 77 એવન્યુ, એલ.પી. સવાણી એકેડમીની બાજુમાં, કેનાલ રોડ, વેસુ) એ સ્કૂલના એકાઉન્ટન્ટ પ્રિયંકા અરૂણ ભટ્ટાચાર્ય (ઉ.વ. 36 રહે. કોલક વીર સાવરકર હાઇટ્સ, રાજ હાર્મની પાસે, જહાંગીરાબાદ, સુરત) અને આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ કૈઝાદ મીનુ પટેલ (ઉ.વ. 33 રહે. ગોયા સ્ટ્રીટ, વેસુ, સુરત અને મૂળ રહે. સિકંદરાબાદ, તેલંગાણા) વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. ગત 25 ઓગસ્ટ 2022 ના રોજ સ્કૂલના આચાર્ય ચેતન દાલવાળાએ સંચાલકને રીપોર્ટ કર્યો હતો કે વાલી ગજેન્દ્રસિંહ બારોટની દીકરી સારીકા બારોટની સ્કૂલ ફી રસીદમાં રોકડા રૂ. 44 હજારમાં ચેડા કરવામાં આવ્યા છે અને અન્ય રસીદમાં પણ ચેડા થયા હોવાની શકયતા છે જેથી તપાસ કરાવવા વિનંતી છે. આચાર્યના રીપોર્ટને ગંભીરતાથી લઇ સી.એ દ્વારા સ્કૂલના એડ્યુનેક્સ્ટ સોફ્ટવેરના બેક ઓફિસ રીપોટર્સ થકી જુલાઇ 2020 થી જુલાઇ 2022 સુધીના ફી ક્લેકશન અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં એકાઉન્ટન્ટ પ્રિયંકા અને તેમના આસીસ્ટન્ટ કૈઝાદને ફી ક્લેકશન માટે આપવામાં આવેલા આઇડી-પાસવર્ડની મદદથી રોકડેથી ફી ભરનાર વાલીઓ પાસેથી પૂરેપૂરી ફી લઇ રસીદ આપતા હતા.

વેસુની સ્કૂલના મહિલા એકાઉન્ટન્ટ અને આસીસ્ટન્ટે ફી ના રૂ. 20 લાખ તફડાવ્યા 2 - image

પરંતુ પાછળથી રસીદમાં ચેડા કરી સ્કૂલમાં રાખવામાં આવતી નકલમાં ફી ની રકમ કરતા ઓછી રકમની પ્રિન્ટ કાઢી પોતાની મરજીથી ડિસ્કાઉન્ટ બતાવતા હતા. ઉપરાંત એક વિદ્યાર્થીનો ચેક બીજા વિદ્યાર્થીના વાલીએ ભરેલી રોકડ ફીમાં દર્શાવતા હતા. આ રીતે સિસ્ટમમાં છેડછાડ કરી અંદાજે 80 વિદ્યાર્થીઓના વાલી પાસેથી પૂરેપૂરી ફી વસુલી સિસ્ટમમાં છેડછાડ કરી અંદાજે રૂ. 20 લાખની ઉચાપત કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સંભવત વધુ તપાસમાં ઉચાપતનો આંક વધવાની શકયતા છે. પોલીસે બંનેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News