એમ.એસ.યુનિ.માં પીએચડી કરતા વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડી કરતા વિદ્યાર્થીઓની ફીમાં આ વર્ષે પણ ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.દર વર્ષે ૦ ટકા ફી વધારવાનો નિર્ણય જે તે સમયે સિન્ડિકેટમાં લેવામાં આવ્યો હોવાથી હવે પીએચડીના વિદ્યાર્થીઓને સિનોપ્સિસ અને થિસિસ સબમિશન કરવા માટે ભરવી પડતી ફી ૨૫૦૦૦ રુપિયા કરતા વધી ગઈ છે.
યુનિવર્સિટી દ્વારા તમામ ફેકલ્ટીઓને મોકલવામાં આવેલા પરિપત્ર પ્રમાણે ૨૦૨૫માં પીએચડીના વિદ્યાર્થીઓ પાસે સિનોપ્સિસ સબમિશન પેટે ૯૯૮૦ રુપિયાની જગ્યાએ ૧૦૪૮૦ રુપિયા ફી લેવામાં આવશે.જ્યારે પીએચડી થિસિસ સબમિટ કરવા માટે પહેલા ૧૬૨૮૦ રુપિયા ફી લેવાતી હતી.હવે આ ફી વધારીને ૧૭૧૦૦ રુપિયા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓના પીએચડી રજિસ્ટ્રેશન થયા છે.તેની સાથે સાથે ૨૦૨૨-૨૩ના વર્ષ કરતા ૨૦૨૩-૨૪ના વર્ષમાં પીએચડીની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ બમણી છે.૨૦૨૨-૨૩માં પીએચડીના વિદ્યાર્થીઓના થિસિસ ચકાસવા માટે પરીક્ષકોની નિમણૂકમાં વિલંબના કારણે ઘણા વિદ્યાર્થીઓના પીએચડી અટવાયા હતા અને તેના કારણે આ વર્ષમાં માત્ર ૭૧ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી મળી હતી.તેની સામે તાજેતરમાં યોજાયેલા ૨૦૨૩-૨૪ના વર્ષના વિદ્યાર્થીઓના પદવીદાન સમારોહમાં ૧૪૧ વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.આમ પીએચડીના વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી યુનિવર્સિટીને રિસર્ચ ક્ષેત્રમાં કંગાળ દેખાવની વચ્ચે થોડી રાહત મળશે.