Get The App

ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીને એકલાવાયું લાગતા ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો

પપ્પા હું તમને પ્રાઉડ ફિલ ના કરાવી શક્યો, મને માફ કરજો

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીને એકલાવાયું લાગતા ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો 1 - image

વડોદરા,માતના અવસાન પછી એકલવાયું લાગતા ટી.વાય.બી.કોમ.ના વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ અટલાદરા રોડ પર એલ્ટ્રોન બ્લૂમાં રહેતો પરમ સમીરભાઇ પટેલ (ઉં.વ.૨૦) ટી.વાય.બી.કોમમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા અલકાપુરીમાં નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેની માતાનું અવસાન થયું હતું. તેની બહેન કેનેડામાં અભ્યાસ કરે છે. વડોદરામાં પરમ તેના પિતા સાથે રહેતો  હતો. ગઇકાલે નાતાલની રજા હોઇ પરમ ઘરે હતો. સવારે તેના પિતા નોકરી પર જતા રહ્યા હતા. સવારે ૧૧ વાગ્યે આર.ઓ. રિપેર કરવા માટે કારીગર આવ્યો હતો. કારીગર ગયા પછી પરમ દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો હતો.તેના પિતાને ખબર હતી કે, પરમને એકલું લાગે છે. જેથી,તેઓ દર બે કલાકે પુત્રને કોલ કરતા હતા. બપોરે પુત્રે ફોન રિસિવ નહીં કરતા તેમણે  પાડોશીને ઘરે જઇને તપાસ કરવા કહ્યું હતું.  પાડોશીએ ઘરે જઇને દરવાજો ખખડાવતા પરમે દરવાજો ખોલ્યો નહતો. જેથી,પાડોશીએ સમીરભાઇને જણાવ્યું કે, કંઇક અજુગતુ લાગે છે. તમે ઘરે આવી જાવ. જેથી, સમીરભાઇ ઘરે આવ્યા હતા. દરવાજો ખોલીને અંદર જઇને જોયું તો પરમે ગળા  ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. સંજયદાને સ્થળ પર જઇને તપાસ કરતા પરમે લખેલી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, આ બાબતે કોઇ જવાબદાર નથી. પપ્પા હું તમને  પ્રાઉડ ફિલ ના કરાવી શક્યો. મને માફ કરજો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, એકલવાયા જીવનથી કંટાળીને પરમે ગળા ફાંસો ખાઇ લીધો હતો. 


Google NewsGoogle News