ફી અંગે લાલીયાવાડી દાખવનાર દ.ગુજરાતની 800 થી વધુ સ્કુલોને ફી કમિટીની નોટિસ
- નિયમ મુજબ 31 ઓકટોબર સુધીમાં એફીડેવીટ કે દરખાસ્ત કરવાની હોય છતા કેટલીક સ્કૂલોએ કાર્યવાહી કરી નહી કે વિલંબ કર્યો છે
સુરત
સ્કુલોની ફી પર નિયંત્રણ લાવવા માટે રચાયેલી ફી રેગ્યુલેટરી કમિટી( એફઆરસી) દ્વારા ૨૦૨૪-૨૫ ની ફી માટે નિયત સમય મર્યાદામાં ફી અંગે દરખાસ્ત કે એફીડેવીટ અંગે લાલીયાવાડી દાખવનારી દક્ષિણ ગુજરાતની ૮૦૦ થી વધુ સ્કુલોને નોટીસ ફટકારી અલ્ટીમેટમ આપતા સંચાલકો દોડતા થઇ ગયા હતા.
રાજય સરકારે સ્કુલોની ફી નક્કી કરવા માટે ૨૦૧૭ માં એફઆરસીની રચના કરી હતી. આ રચના બાદ જે સ્કુલોએ ફી વધારવી હોય તો દરખાસ્ત કરવાની હોય છે. અને ફી યથાવત રાખવી હોય તો એક એફીડેવીટ કરવાની હોય છે. દર વર્ષે નવુ વર્ષ શરૃ થાય તે પહેલા ૩૧મી ઓકટોબર સુધી ફી અંગે એફીડેવીટ કે દરખાસ્ત એફઆરસીમાં જમા કરાવી દેવાની હોય છે. આ વર્ષે સુરત જિલ્લાની ૫૨૭, ભરૃચની ૨૦૦ અને વલસાડની ૧૦૫ મળીને ૮૦૦ થી વધુ સ્કુલોએ કયાં તો એફીડેવીટ-દરખાસ્ત કરી જ નથી કયાં તો તારીખ વિત્યા પછી કરી હોવાથી એફઆરસી દ્વારા કાર્યવાહી શરૃ કરાઇ છે.
અને આ તમામ સ્કુલોને નોટીસ ફટકારીને એફીડેવીટ કે દરખાસ્ત અંગે ખુલાસો કરવા માટે સાત દિવસનું અલ્ટીમેટમ આપતા સ્કુલ સંચાલકો જવાબ આપવા માટે દોડતા થઇ ગયા છે.
50 થી વધુ સ્કુલોના સંચાલકો ફી વધારવા કે યથાવત રાખવા આજદિન સુધી એફઆરસી સમક્ષ આવ્યા નથી
રાજય
સરકારે સ્કુલોની ફી પર નિયંત્રણ રાખવા માટે ૨૦૧૭ માં એફઆરસીની નિમણુંક કરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ આ નિમણુંક બાદ આજદિનસ સુધી દક્ષિણ ઝોનની ૫૦ થી વધુ સ્કુલો
એવી છે કે જેઓ ફી યથાવત રાખવા માટે એફીડેવીટ કે પછી ફી વધારવા માટે દરખાસ્ત કરવા
એફઆરસીના બારણે આવ્યા નથી. આવી સ્કુલો સામે કેવી કાર્યવાહી કરે તે હવે જોવાનું
રહ્યુ ?