Get The App

દારૂ પકડાવ્યાની દાઝમાં ઘર પર પથ્થરમારો,ચાર શખ્સોની ધમકીથી ડરી યુવાનનો ઝેરી દવા પી આપઘાત

Updated: Jan 23rd, 2025


Google News
Google News
દારૂ પકડાવ્યાની દાઝમાં ઘર પર પથ્થરમારો,ચાર શખ્સોની ધમકીથી ડરી યુવાનનો ઝેરી દવા પી આપઘાત 1 - image


તળાજાના જુના શોભાવડ ગામનો ચકચારી બનાવ : વધુ એક વખત પોલીસ પ્રશાસન સામે આંગળી ચિંધાઈ 

ભાવનગર: સપ્તાહ પૂર્વે દારૂ પકડાવ્યાની ફરિયાદ પાછી ખેંચી લેવા તળાજાના ચાર શખ્સની ધમકીથી ડરીને તળાજાના જુના શોભવડ ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે.  બનાવ અંગે તળાજા પોલીસમાં મૃતકના ભાઈએ ચાર શખસો વિરૂદ્ધ મરવા મજબૂર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી 

તળાજાના  જ ચાર શખ્સોએ  ઘરે આવી યુવાનને ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ કર્યું હતું અન્યથા મારી નાંખવાની ધમકી આપી હતી ઃ ચાર સામે યુવાનના મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ 

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સરાજાહેર દારૂ મળતો હોવાની વાત હવે સામાન્ય બની છે પરંતુ, દારૂના ધંધાર્થીઓ દ્વારા ધમકી આપી યુવાનને મજબૂર કર્યાની ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં ભાવનગર શહેર અને જિલ્લામાં ચકચાર મચી છે.ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન રહ્યું હોય તેવા બનેલાં ચકચારી બનાવની વિગત એવી છે કે, તળાજા તાલુકાના જુના શોભાવડ ગામમાં રહેતા દીપકભાઈ ખીમજીભાઇ સોસાએ ગત તા.૨૦ ના રોજ સાંજના સમયે તળાજામાં રહેતા અને વકીલાત કરતા તેના મોટાભાઈ પ્રવીણભાઈ સોસાને ફોન કરી પોતે ઝેરી દવા પી લે છે. તેમ જણાવતા પ્રવીણભાઈ અને તેમની ઓફિસમાં કામ કરતા સુનિલભાઈ નરેશભાઈ ચૌહાણ જુના શોભાવડ દોડી ગયા હતા. અને ઘરે તપાસ કરતા ઝેરી દવા પીધેલી હાલતે દીપકભાઈને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું.જો કે, સારવાર દરમિયાન પ્રવીણભાઈએ તેના નાના ભાઈ દીપકભાઈને ઝેરી દવા પી લેવાનું કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગત તા.૧૫ના રોજ મૃતક દીપકભાઈએ કિશોરનો દારૂ પકડાવ્યો હતો. તે બાબતને લઈને તા.૧૬ના રોજ રાત્રિના ૨ઃ૩૦  કલાકે કિશોર મીઠાભાઈ રાઠોડ, ગોવિંદ  અને સંજય ભોપાભાઈ ચુડાસમાએ તેમના ઘર ઉપર પથ્થરમારો  કર્યો હતો આથી તેઓ ભયભીત થઈ ગયા હતા, તેમજ તા.૨૦ ના રોજ પણ ઉકત ત્રણ શખ્સની સાથે  સાજીદ ઉર્ફે દોલુ સિકંદરભાઈ તેમના ઘરે આવ્યા હતા. અને ગાળો આપી 'ફરિયાદ પછી ખેંચી લેજે નહિતર મારી નાખીશું અથવા તો મરી જજે જેથી અમારે તને મારી નાખવો ન પડે' તેવી ધમકી આપતા પોતે ઝેરી દવા પી લીધી હોવાનું જણાવ્યું હતું. 

બનાવ અંગે મૃતક દીપકભાઈના મોટાભાઈ પ્રવીણભાઈ ખીમજીભાઈ સોસાએ કિશોર મીઠાભાઈ રાઠોડ, ગોવિંંદ ભરવાડ, સંજય ભોપાભાઈ ચુડાસમા અને સાજીદ ઉર્ફે દોલુ સિકંદરભાઈ ( રહે. તમામ તળાજા ) વિરૂદ્ધ  તેમના ભાઈને ધમકી આપી ઘર પથ્થરમારો કરી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ચારેય શખસ વિરૂદ્ધ બીએનએસ કલમ ૧૦૮,૩૫૨,૩૫૧ (૩) ૫૪ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧),૩(૧)( એસ ), ૩(૨) ( વી ) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Tags :
Fearing-threats-from-four-menyoung-man-commits-suicideBy-consuming-poison

Google News
Google News