અમદાવાદ-થરાદ હાઈવે માટે 10000 ખેડૂતોની જમીન નષ્ટ થવાની દહેશત, 8 હેક્ટર તો જંગલની જમીન
Ahmedabad-Tharad Six Lane Highway: ગુજરાતમાં ઔદ્યોગિક રફતારને ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે (Central Government) જાહેર કરેલા અમદાવાદથી થરાદ સુધીના હાઈસ્પીડ હાઈવે માટે ઉત્તર ગુજરાતના (North Gujarat) 10 હજારથી વધુ ખેડૂતોની ખેતીની જમીન સંપાદન થવાની છે તેથી આ ખેડૂતોને વળતર આપીને જમીન હસ્તગત કરી લેવામાં આવશે. ચોંકાવનારી બાબત એવી છે કે આ હાઈવેમાં 8.568 હેક્ટર જમીન પ્રોટેક્ટેડ ફોરેસ્ટની હોવાથી તેનું ક્લિયરન્સ જરૂરી છે.
ખેડૂતોની અંદાજે 1300 હેક્ટર જમીન સંપાદનમાં જવાની છે
ભારતમાલા પરિયોજના (Bharatmala Pariyojana) હેઠળ કેન્દ્ર સરકારે અમદાવાદથી થરાદ સુધીના 214 કિલોમીટરની લંબાઇના સિક્સલેન એક્સેસ કન્ટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે 10534 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ હાઈવે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા એમ કુલ પાંચ જિલ્લામાંથી પસાર થવાનો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે એક કિલોમીટરના હાઇવે માટે 6 હેક્ટર જમીનની આવશ્યકતા રહેતી હોય છે તે હિસાબે 214 કિલોમીટરમાં ખેડૂતોની અંદાજે 1300 હેક્ટર જમીન સંપાદનમાં જવાની છે. આ હાઇવેનું જમા પાસુ એ છે કે 6 કલાકની જગ્યાએ 3 કલાકમાં પહોંચી શકાશે પરંતુ ખેતીવાડીની જમીન ઓછી થતાં પાક ઉત્પાદનને માઠી અસર પડશે.
આ હાઇવે પર 150 જેટલા બ્રિજ પણ બનાવાશે
આ હાઇવે પર 150 જેટલા બ્રિજ પણ બનાવવામાં આવનાર છે. ખાસ કરીને ફેન્સિંગવાળો હાઇવે બનાવવાનો હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ બદલાય તેવી સંભાવના છે. આ હાઇવે સુજલામ સુફલામ સિંચાઈ કેનાલ (Sujlam Suflam Spreading Canal)ને સમાંતર બનાવવાનો છે. હાઈવેમાં ઘણાં ગામો આવી શકે છે. અમદાવાદ-થરાદ એક્સપ્રેસ હાઈવે રાજ્યના બે મુખ્ય કોરિડોર અમૃતસર-જામનગર તેમજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર વચ્ચે કનેક્ટિવિટી આપશે.
આ પણ વાંચો : અમદાવાદથી થરાદ વચ્ચે બનશે સિક્સ લેન હાઇસ્પીડ રોડ કોરિડોર, જાણો ખાસિયત
બે વર્ષ પૂર્વે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા...
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં અમદાવાદ-થરાદ હાઇસ્પીડ હાઇવેની જાણ થતાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યાં હતા અને કહ્યું હતું કે આ હાઈવેના કારણે ખેતીની જમીન નષ્ટ થશે એટલું જ નહીં સુજલામ સુફલામ કેનાલના પાયાને નુકશાન થશે અને ખેડૂતોને બજાર કિંમત કરતાં જમીનના ખૂબ ઓછા ભાવ મળશે.
પ્રોટેક્ટેડ ફોરેસ્ટની 8.568 હેક્ટર જમીન આવે છે...
આ હાઈવેમાં પ્રોટેક્ટેડ ફોરેસ્ટની 8.568 હેક્ટર જમીન આવે છે જે પૈકી 1.12 હેક્ટર બનાસકાંઠા, 1.995 હેક્ટર પાટણ, 1.925 હેક્ટર મહેસાણા, 2.31 હેક્ટર ગાંધીનગર અને 1.218 હેક્ટર અમદાવાદ જિલ્લાની છે, જેથી આ જમીન માટે ફોરેસ્ટ ક્લિયરન્સ લેવું જરૂરી છે. જો કે પ્રોટેક્ટેડ એરિયા (નેશનલ પાર્ક, વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી) આવતો નહીં હોવાથી વાઇલ્ડલાઇફ અને ઈએસઝેડનું ક્લિયરન્સ તેમજ માર્ગમાં એએસઆઈ પ્રોજેક્ટેડ સ્મારકો પણ આવતા નથી તેથી NOCની આવશ્યકતા નથી.