ડ્રગ્સનો ડર : મહુધાના મહિસા ગામના વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કરી રૃપિયા 61 લાખ પડાવ્યા
વિદેશમાં રહેતા દીકરા-દીકરીને ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટના હુકમના બહાને સીબીઆઈ ઓફિસર અને કુરિયર કંપનીના નામે ગઠિયાઓએ કોલ કર્યા : વૃદ્ધ દંપતીએ દાગીના વેચી રૃપિયા આરટીજીએસ કર્યા છતાં વધુ 40 લાખ માંગ્યા
પુત્રીને હકીકત જણાવ્યા બાદ માતા- પિતાને છેતરપિંડી થયાની જાણ થઈ
નડિયાદ : મહુધાના મહિસાના વૃદ્ધ દંપતીને મોબાઈલ પર મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલું છું તેવો વોટ્સએપ કોલ આવ્યો હતો. તમારા દીકરા- દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમથી એરેસ્ટ કરવા પડશે, એરેસ્ટ કર્યા બાદ બંને વિદેશ પરત જઈ નહીં શકે તેમ કહી ડરાવી- ધમકાવ્યા હતા. ફફડી ગયેલા દંપતીએ દાગીના વેચીને રૃા. ૬૧ લાખ આરટીજીએસ કર્યા છતાં વધુ ૪૦ લાખની માંગણી ગઠિયાઓ કરતા હતા. બાદમાં સાઈબર ફ્રોડ થયાનું જણાતા વૃદ્ધ દંપતીએ મહુધા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મહુધા તાલુકાના મહિસા ગામમાં મુખીની ખડકીમાં રેહતા વિણાબેન મધુસુદનભાઈ પટેલનો દીકરો અમેરિકામાં પરિવાર સાથે જ્યારે દિકરી સાસરીમાં રહે છે. ગત તા.૯/૧૧/૨૪ના રોજ વિણાબેનના પતિ મધુસુદનભાઈના મોબાઈલ પર વોટ્સએપ કોલમાં વિનોદ શર્મા નામના ઇસમે ડીએચએલ કુરિયર સવસ બોમ્બેથી બોલું છું તમારા નામે મુંબઇ ટુ બૈજિંગ ચાઇનાનું કુરિયર આવેલું છે. કુરીયરમાં જેટ એર બેજના માલીક નરેન્દ્ર ગોએલે તમારા આધારકાર્ડ અને મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે. કુરિયરમાં પાસપોર્ટ, બેંક ડોક્યુમેટ તથા ૪૦૦ ગ્રામ એમડીએમ ડ્રગ્સ છે. અમે પોલીસને જાણ કરીએ છીએ તેમ કહ્યું હતું. ત્યારે અમે આવું કોઈ કુરિયર મંગાવ્યું નથી, તમારે જેને જાણ કરવી હોય તેને કરો તેમ મધુસૂદનભાઈએ જણાવી દેતા સામે વાળાએ ફોન મૂકી દીધો હતો. તા. ૧૩મીએ ફરી ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસના સિમ્બોલ સાથે વીડિયો કોલમાં પ્રકાશ અગ્રવાલ અને રાજેશ પ્રધાન સીબીઆઈ ઓફિસર બોમ્બેથી બોલીએ છીએ, તમને એરેસ્ટ કરીને લઈ જઈશું. સુપ્રીમ કોર્ટમાં તમારા સામે ડ્રગ્સનો કેસ દાખલ થયો છે. જેથી રૃા. ૪૦ લાખ ભરવાના છે. જે વેરિફિકેશન બાદ પરત મળશે. જો રૃપિયા નહીં ભરો તો એરેસ્ટ કરી બોમ્બે કસ્ટડીમાં લેવાશે તેવું કહેવા છતાં દંપતી ગઠિયાની ધાક- ધમકીમાં આવ્યા નહીં. બાદમાં ગઠિયાઓએ કહ્યું કે, તમારા વિદેશ રહેતા દીકરા- દીકરીને સુપ્રીમ કોર્ટ ઈન્વેસ્ટિગેશનમાં લઈ લેશે તો બંને વિદેશ પાછા નહીં જઈ શકે તેમ કહેતા મધુસૂદનભાઈ અને તેમના પત્ની ડરી ગયા હતા. બાદમાં રૃપિયા ભરવા દબાણ કરતા મધુસુદનભાઈએ પત્નીના દાગીના ગીરે મૂકી અને થોડા વેચીને રૃ.૬૧ લાખ આરટીજીએસથી ગઠિયાઓને ટ્રાન્સફર કર્યા હતા. છતાં વધુ ૪૦ લાખની માંગણી કરતા દીકરીને હકીકત જણાવતા તમારી સાથે સાઈબર ફ્રોડ થયું હોવાનું તેણે કહ્યું હતું.
આ બનાવ અંગે વિણાબેન મધુસુદન પટેલે મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.