Get The App

જેસરથી ડેમ ચોકડી સુધીના અતિ બિસ્માર માર્ગથી અકસ્માતની ભીતિ

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
જેસરથી ડેમ ચોકડી સુધીના અતિ બિસ્માર માર્ગથી અકસ્માતની ભીતિ 1 - image


- હાઈવે પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા

- ખખડધજ હાલતના રોડ પરથી પસાર થનાર વાહનોને થઈ રહેલુ નુકશાન

જેસર : જેસરથી ડેમ ચોકડી સુધી જવામાં ખરાબ રસ્તાના કારણે અત્યારે બે કલાકનો સમયગાળો વીતી જાય છે. તેમજ યાત્રાધામ પાલિતાણાથી સુધીનું ફકત ૪૦ કિલોમીટરનું અંતર હોવા છતા નીયત સમય કરતા વધુ સમય થતો હોવાથી વાહનચાલકો અને ખાસ કરીને મુસાફરોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. આ તદ્રન બિસ્માર હાલતના રોડ પર સામાન્ય ટુવ્હીલધારકો પણ ૨૦ થી વધારે સ્પીડમાં વાહનો ચલાવી શકતા નથી.

છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી જેસરથી ડેમ ચોકડી સુધી તેમજ જેસરથી તીર્થનગરી પાલિતાણાનો રોડ અત્યંત ખરાબ હાલતમાં હોય આ રોડ પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.૨૪ કલાક વાહન વ્યવહારથી સતત ધમધમી રહેલા આ માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી ત્યાંથી પસાર થવામાં વાહનચાલકોને તે શિરદર્દ સમાન બન્યા છે. જેસરથી ડેમ સુધીનો રોડ અત્યંત ખરાબ થઈ ગયેલ છે તેથી જેસરથી ડેમ તરફ જવા માટે સામાન્ય રીતે એકાદ કલાકનો સમય લાગે છે. જે હાલ ખરાબ હાલતના રોડના કારણે બે કલાકનો સમય વીતી જાય છે.જેના કારણે નીયમીતપણે શાળા કોલેજમાં જવા માટે વિદ્યાર્થીભાઈઓ તથા બહેનોને તેમજ અપડાઉન કરનારાઓને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. વહિવટીતંત્ર દ્વારા જેસરથી પાલિતાણાના રોડની મંજુરી પણ મળી ગયાનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈપણ પ્રકારના ટેન્ડર સહિતની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. તેથી જેસર પંથકના ગ્રામજનોમાં આ રોડની બાકી રહેલી કામગીરી વહેલી તકે આગળ વધે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે. આ ખખડધજ હાલતના રોડના કારણે અત્રે છાસવારે નાના મોટા વાહન અકસ્માતો થઈ રહ્યા છે. જે જગજાહેર હોવા છતાં તંત્રવાહકો દ્વારા કામ શરૂ કરવામાં આનાકાની કરાઈ રહી છે. બિસ્માર માર્ગના કારણે ટ્રાવેલ્સ અને બસ વગેરે ગાડીઓના પાટાઓ તૂટી જાય છે એટલુ જ  નહિ મોંઘાદાટ વાહનોની કિંમતી એસેસરીઝને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહેલ છે. 


Google NewsGoogle News