12 વર્ષની સગી પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારા પિતાને જીવે ત્યાં સુધી જન્મટીપ
- આણંદ સ્પેશિયલ પોક્સો કોર્ટનો બહુ મહત્વનો ચુકાદો
- સગી પુત્રીને ગર્ભવતી તો બનાવી પણ પાપ છુપાવવા બીજા સાથે પરણાવી દીધી, બાદમાં પીડિત પુત્રીએ બાળકને જન્મ આપ્યો
અમદાવાદ: માત્ર ૧૨ વર્ષની પોતાની કુમળી સગીર પુત્રી પર વાંરવાર દુષ્કર્મ ગુજારી તેને ગર્ભવતી બનાવી અન્ય યુવક સાથે પરણાવી દેનાર આરોપી એવા નરાધમ પિતાને આણંદ સ્પેશ્યલ પોક્સો કોર્ટના સ્પેશ્યલ જજ તેજસ આર.દેસાઇએ જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની આકરી સજા ફટકારતો ચુકાદો જાહેર કર્યો છે. વધુમાં, કોર્ટે સગીર પીડિતાને ધીગુજરાત વીકટીમ કંપેન્સેશન સ્કીમ-૨૦૧૯ અન્વયે રૂ.સાત લાખનું વળતર આપવાનો પણ હુકમ કર્યો હતો. પિતા-પુત્રીના પવિત્ર સંબંધને શર્મસાર કરતાં નરાધમ પિતાના ગુનાહિત કૃત્યને લઇ કોર્ટે પોતાના ૮૩ પાનાના લંબાણપૂર્વકના ચુકાદામાં ભારોભાર આલચોના પણ કરી હતી. આ કેસમાં ગર્ભવતી સગીર પુત્રીને મોટી પુત્રીના સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટના આધારે જેની સાથે પરણાવી દેવાઇ હતી, તે સહ આરોપીનું કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ થતાં તેની સામેની કોર્ટ કાર્યવાહી પડતી મૂકાઇ હતી. કોર્ટે સગીર પુત્રીના ગેરકાયદે રીતે બીજા સાથે લગ્ન કરાવી દેવાના ગુનામાં પણ આરોપી પિતાને બાળલગ્ન પ્રતિબંધક કાયદા હેઠળ આરોપી ઠરાવી સજા ફટકારી હતી.
સમગ્ર આણંદ પંથકમાં ભારે ચકચાર મચાવનાર આ કેસની વિગત મુજબ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના એક નરાધમ પિતાએ પોતાની માત્ર ૧૨ વર્ષની કુમળી વયની સગીર પુત્રીને અવારનવાર દુષ્કર્મનો ભોગ બનાવી હતી અને આ વાત કોઇને કહીશ તો તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન આરોપીના વારંવારના દુષ્કર્મના કારણે સગીર પુત્રી ગર્ભવતી બની ગઇ હતી, જેથી નરાધમ બાપે પોતાની મોટી દિકરીનું સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ સમૂહલગ્નના આયોજકને બતાવી બધાને અંધારામાં રાખી દુષ્કર્મનો ભોગ બનાવાયેલી સગીર પુત્રીને આ કેસના અન્ય આરોપી સાથે પરણાવી દીધી હતી. બાદમાં પીડિતા પુત્રીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો.
ચકચારભર્યા એવા આ કેસમાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ એ.કે.પંડયાએ અદાલતને જણાવ્યું કે, આ કેસમાં આરોપી પતિ અને તેની પત્ની વચ્ચેના ઝઘડા અને તકરારોને લઇ પત્ની પિયરમાં સંતાનો સાથે રહેતી હતી પરંતુ આરોપી પિતા તેની આ ૧૨ વર્ષની પુત્રીને માતા પાસેથી આંચકી પોતાની સાથે રહેવા લઇ આવ્યો હતો અને બાદમાં તેને પોતાની સાથે રાખી સતત દુષ્કર્મનો બોગ બનાવી હતી. પીડિતાના બારોબાર આ કેસના સહ આરોપી એવા યુવક સાથ ેલગ્ન કરાવી દીધા બાદ પીડિતા માતા બની અને બાળકની ઉંમર ત્રણ મહિનાની થઇ અને તેની બાબરી માટેની કંકોત્રી આપવા આરોપી જયારે પોતાની પત્નીના પિયરમાં ગયો ત્યારે પત્નીને ખબર પડી કે, તેની નાની ૧૨ વર્ષની છોકરીના તો લગ્ન કરી દેવાયા અને એક બાળક પણ જન્મી ગયુ છે.
તેથી માતાએ જયારે આરોપી ઘેર ન હતો ત્યારે ત્યાં જઇ પોતાની પુત્રીને બાળક સાથે પિયરમાં લઇ આવી હતી અને તેને પૃચ્છા કરતાં પીડિત સગીર પુત્રીએ પિતાના કાળા કરતૂતોનો ભાંડો ફોડયો હતો. જેને પગલે માતાએ આરોપી નરાધમ પિતા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ એક અસાધારણ અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાવતો અને સમાજને શર્મસાર કરતો કેસ હોઇ કોર્ટે નરાધમ આરોપી પિતાને સખતમાં સખત આકરી સજા ફટકારવી જોઇએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટે ઉપરોકત ચુકાદો આપ્યો.
સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદામાં તૈત્તીરીય ઉપનિષદ્નો શ્લોક ટાંકયો
સ્પશ્યલ પોક્સો જજ તેજસ આર.દેસાઇએ પોતાના લંબાણપૂર્વકના ચુકાદામાં તૈત્તીરીય ઉપનિષદ્નો શ્લોક માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ ટાંકયો હતો અને બહુ માર્મિક અવલોકન કર્યું હતું કે, આ સંસ્કૃત શ્લોકમાં પિતાની તુલના ભગવાન સાથે કરવામાં આવેલ છે. ઉપરાંત, સંસ્કૃત વ્યાકરણ મુજબ, પિતા શબ્દ પા રક્ષણે ધાતુથી ઉત્પન્ન થયેલ છે અને તેનો અર્થ જે રક્ષણ કરે છે તે પિતા છે.