રાજકોટની પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનારા હેવાન પિતાને ફટકારી આજીવન કેદની સજા
Verdict of Rajkot POCSO court : રાજકોટમાં પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર નરાધમ પિતાને પોકસ કોર્ટનાં જજ વી.એ. રાણાએ તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી સખ્ત કેદની સજા ફટકારી છે. આ કેસની વિગત એવી છે કે, રીક્ષા ચલાવતા આરોપીએ તેની પુત્રી જયારે બાળકી હતી ત્યારથી જ તેને એકાંતમાં ડરાવી, ધમકાવી શારીરિક અડપલાની શરૂઆત કરી હતી. ત્યાર પછી પુત્રી 13 વર્ષની થઈ ત્યારે તેની ઉપર પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ સિલસિલો ફરીયાદ થઈ ત્યાં સુધી ચાલતો રહ્યો હતો. બાળકીમાંથી સગીરા બનેલી ભોગ બનનાર પુખ્ત થઈ હતી. આમ છતાં બીકનાં માર્યા કોઈને કંઈ કહી શકી ન હતી. ફરીયાદ થઈ તેની આજુબાજુનાં સમયમાં તેને ગર્ભપાત થતા નરાધમ પિતાનો ભાંડો ફૂટયો હતો. આખરે ભોગ બનનારની માતાએ હિંમત આપતા ભોગ બનનારે ફરીયાદ નોંધાવી હતી.
આ કેસ ચાલતા ભોગ બનનાર અને તેની માતાનું ડીએનએ પરીક્ષણ કરનાર અધિકારી વગેરેની જુબાની લેવામાં આવી હતી. આ રીતે આરોપી વિરૂદ્ધનો સજ્જડ પુરાવો રેકોર્ડ પર આવ્યો હતો. બન્ને પક્ષોની દલીલો, રજુઆતો બાદ પુરાવા તપાસી અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવ્યો હતો.
અદાલતે આઈપીસી કલમ 376 (3) અને પોકસો એક્ટનો ગુનો પુરવાર થયાનું માન્યું હતું. એટલું જ નહીં આરોપીને રૂ. 18,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત ભોગ બનનારને ગુજરાત વિકટીમ કમ્પનસેશન સ્કિમ હેઠળ રૂ. 7 લાખનું વળતર ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી મહેશભાઈ જોષી રોકાયેલા હતાં.