તાપીમાં ઘરકંકાસનો ભોગ બની દોઢ વર્ષની બાળકી, પિતાએ પાણીની ટાંકીમાં નાખી મોતને ઘાટ ઉતારી
Tapi News : તાપીના સોનગઢ તાલુકાના કુકડાડુંગરી ગામ ખાતે પાણીની ટાંકીમાં પડી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં બાળકીના પિતાએ જ ઘરકંકાસથી કંટાળીને બાળકીને પાણીની ટાંકીમાં ડૂબાડી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર ઘટના મામલે સોનગઢ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પિતાએ પોતાની દોઢ વર્ષની બાળકીને પાણીની ટાંકીમાં નાખી દેતા મોત
તાપીના સોનગઢ તાલુકાના કુકડાડુંગરી ગામ ખાતે રહેતા વિરલ ગામીતે પોતાની દોઢ વર્ષની બાળકીને પાણીની ટાંકીમાં નાખીની મોતને ઘાટ ઉતારી હતી. બાળકી પાણીની ટાંકીમાં પડી હોવાના ગુનામાં પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની ટીમે દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, પિતાએ ઘરકંકાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હતું. જો કે, સમગ્ર ઘટનામાં હત્યાનું ચોક્કસ કારણ શોધવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાને લઈને તાપી જિલ્લાના નિઝર ઝોનના DySPએ જણાવ્યું હતું કે, 'ગત 25 જાન્યુઆરીના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. કુકડાડુંગરી ગામે એક પિતાએ પોતાની દોઢ વર્ષની બાળકી ઊંઘતી હતી આ દરમિયાન પિતાએ પોતાના ઘરની સામેના ધાબા પર બાળકીને લઈ જઈને પાણીની ટાંકીમાં નાખીને હત્યા નીપજાવી હતી. આ બનાવમાં પ્રાથમિક ધોરણે ઘરકંકાસના કારણે આવું પગલુ ભર્યું હોવાનો પિતાએ ખુલાસો કર્યો છે. જો કે, બનાવ અંગે ચોક્કસ કારણને લઈને વધુ તપાસ ચાલી રહી છે.'