પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી સાંઇકૃપા હોટલના માલિક પિતા-પુત્ર, જમાઇનું વી.સીના નામે રૂ. 40.85 લાખનું ફુલેકું
- ગત માર્ચમાં રાતોરાત હોટલ બંધ કરી અને ઘર વેચી ભુગર્ભમાં ઉતરી ગયા હતાઃ પિતા અને બે પુત્રની અટકાયત, જમાઇ ફરાર
- બીજા મહિનાની વી.સી પોતે લઇ લેતા હતા જયારે છેલ્લા મહિનાની વી.સી લેનારને વ્યાજ આપવાની લાલચ આપતા હતા
સુરત
પાંડેસરા જીઆઇડીસીમાં નારાયણ મીલ સામે સાંઇકૃપા હોટલની સાથે વી.સી ચલાવતા પિતા-પુત્ર અને જમાઇ 10 રોકાણકારોના કુલ રૂ. 40.85 લાખ ઉઘરાવ્યા બાદ રાતોરાત હોટલ બંધ કરી અને ઘરે વેચી દઇ ભુગર્ભમાં ઉતરી જતા મામલો પાંડેસરા પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
ઉધના હરિનગર-2 શાકમાર્કેટ નજીક શ્રી રામદેવ ફેશન નામે રેડીમેડ કપડાની દુકાન ધરાવતા રાજેશ મેવાલાલ ખોઇવાલ (ઉ.વ. 30 રહે. હરિનગર-1, જૈના દેરાસર સામે, ઉધના અને મૂળ. પોટલા, તા. સાહાડા. ભિલવાડા, રાજસ્થાન) ચારેક વર્ષ અગાઉ પાંડેસરા જીઆઇડીસીની નારાયણ મીલ સામે સાંઇકૃપા હોટલ ચલાવતા આત્મારામ હંસરાજ જાધવ સાથે પરિચય થયો હતો. સમયાંતરે હોટલ ઉપર આવ-જા કરતી વેળા આત્મારામે પોતે ઉપરાંત તેના બે પુત્ર વિશાલ જાધવ, હિતેશ જાધવ અને જમાઇ નિતીન અરૂણ રાઠોડ (તમામ રહે. આકાશ રો-હાઉસ, ગુ.હા. બોર્ડ, પિયુષ પોઇન્ટ નજીક, પાંડેસરા) હોટલ ઉપરાંત વી.સી ચલાવીએ છે. તમારે જો વીસીમાં રોકાણ કરવાની ઇચ્છા હોય તો જણાવજો. જેથી જાન્યુઆરી 2021 માં 16 સભ્યોની રૂ. 2 લાખની વી.સીમાં રૂ. 1.70 લાખ ભર્યા હતા. વીસીના નિયમ મુજબ બીજા મહિનાની વી.સી સંચાલકની અને છેલ્લા મહિને લેનારને વ્યાજ મળતું હોવાથી રાજેશને રૂ. 2 લાખ એટલે કે રૂ. 30 હજાર નફો મળ્યો હતો. જેથી વી.સી રાજેશે નફાની લાલચમાં આત્મારામ અને તેના બે પુત્ર તથા જમાઇ દ્વારા શરૂ કરવામાં આવેલી અલગ-અલગ રકમની ત્રણ વી.સીમાં રૂ. 2.54 લાખ ભર્યા હતા. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં આત્મારામ અને તેના બે પુત્ર તથા જમાઇ રાતોરાત હોટલ બંધ કરી અને ઘર વેચી દઇ ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેને પગલે રાજેશ ઉપરાંત અન્ય 9 જણાએ રૂ. 38.30 લાખ મળી કુલ રૂ. 40.85 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.
વી.સી માં રોકાણ કરનારની સંખ્યા વધવાની સાથે છેતરપિંડીનો આંક પણ વધવાની શકયતા
સાંઇકૃપા હોટલના માલિક આત્મારામ જાધવ અને તેના બે પુત્ર વિશાલ અને હિતેશ તથા જમાઇ નિતીન રાઠોડ અલગ-અલગ મહિનાની રૂ. 2 લાખથી લઇ રૂ. 20 લાખ સુધીની વી.સી ચલાવતા હતા. જેમાં દિલીપ ચૌધરીએ રૂ. 5.23 લાખ, અનુજકુમારે રૂ. 1.94 લાખ, ઉદય શર્માએ રૂ. 3.70 લાખ, રમાશંકર મિશ્રાએ રૂ. 1.65 લાખ, સંજર પાંડેએ રૂ. 8.26 લાખ, અવિનાશ મિશ્રાએ રૂ. 3.20 લાખ, લાદુલાલ રૂપારામે રૂ. 3.40 લાખ, આશિષ ભોલાસીંગે રૂ. 10.40 લાખ, રાજવીરસીંગે રૂ. 51 હજાર ગુમાવ્યા છે. તેવા સંજોગોમાં વી.સી ચલાવતા પિતા-પુત્ર અને જમાઇની ટોળકીનો અનેક લોકો ભોગ બન્યા હોવાની આશંકા સેવાય રહી છે.