સમા - સાવલી રોડ પર પાર્કિંગના મુદ્દે પિતા - પુત્રનો હુમલો
કાળા કલરની કાર લઇને આવેલા યુવકે સોસાયટીના ગ્રાઉન્ડમાં દોડાવી ભયનો માહોલ ઉભો કર્યો
વડોદરા,સમા - સાવલી રોડ પર લિલેરીયા એપાર્ટમેન્ટમાં વાહન પાર્ક કરવાના મુદ્દે ઝઘડો થતા મારામારી થઇ હતી. સોસાયટીમાં રહેતા વેપારી સાથે પાડોશમાં રહેતા પિતા - પુત્રે ઝઘડો કર્યો હતો. જે અંગે સમા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમા સાવલી રોડ પર લિલેરીયા એપાર્ટમેન્ટમાં રહેતા વિરલ સતિષભાઇ મોહિતે રાવપુરા ખાતે પબ્લિક એજન્સીના નામે દવાનો ધંધો કરે છે. સમા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૧૦ મી એ હું મારા ઘરની નીચે અમારી સોસાયટીના મુખ્ય દરવાજા પાસે ખુરશીમાં બેઠો હતો. અમારા મકાનની બાજુમાં રહેતા જીતેશભાઇ શાહના પુત્ર હર્ષિલને મળવા તેના મિત્રો ત્રણ થી ચાર બાઇક લઇને આવ્યા હતા. તેઓએ અમારી સોસાયટીમાં આવવા જવામાં અડચણ થાય તે રીતે બાઇક પાર્ક કરી હતી. અમારી સોસાયટીના નિયમ મુજબ બહારથી આવતા લોકો માટે તેઓના વાહનો સોસાયટીમાં પાર્ક કરવાની મનાઇ છે. જેથી, મેં સોસાયટીના વોચમેન નરેશભાઇ રાઠવાને આ બાબતે જાણ કરી હતી. સિક્યુરિટી ગાર્ડે હર્ષિલના ઘરે જઇ તેમના મિત્રોએ પાર્ક કરેલી બાઇક બહાર મૂકવા જણાવ્યું હતું.જેથી, હર્ષિલે નીચે આવીને અમને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. મેં તેના પિતાને ફોન કરીને જાણ કરતા તેઓએ કહ્યું કે, તમે હર્ષિલ સાથે વાતચીત ના કરતા હુ ંઘરે આવીને વાતચીત કરૃં છું.
ત્યારબાદ હર્ષિલના મિત્રો જતા રહ્યા હતા. થોડીવાર પછી હર્ષિલનો કોઇ મિત્ર કાળા કલરની નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યો હતો. તેણે સોસાયટીમાં કાર દોડાવી હતી અને સિક્યુરિટીવાળા પાસે જઇ વાત કરી પોતાની કાર મુખ્ય ગેટને અડચણરૃપ થાય તે રીતે પાર્ક કરી દીધી હતી. થોડીવાર પછી હર્ષિલના પિતાએ આવીને મારી સાથે મારામારી શરૃ કરી હતી. મારા મોંઢા પર તથા આંખના ભાગે ઇજા થતા ચશ્મા તૂટી ગયા હતા.