પિતા-પુત્રોએ રૂ.85.50 લાખના રફ હીરા ખરીદી પેમેન્ટ કર્યું નહીં
કાપોદ્રાની વીર એક્ષ્પોર્ટના મનહરભાઈ ફીણવીયા અને તેમના બે પુત્રો પંકજ અને પ્રશાંતે ઈરા ડાયમંડ પ્રા. લી પાસે 580 કેરેટ રફ હીરાની ખરીદી કરી હતી
પેમેન્ટ સમસયર નહીં કરી બાદમાં જે ચેક આપ્યો તેનું પણ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું
- કાપોદ્રાની વીર એક્ષ્પોર્ટના મનહરભાઈ ફીણવીયા અને તેમના બે પુત્રો પંકજ અને પ્રશાંતે ઈરા ડાયમંડ પ્રા. લી પાસે 580 કેરેટ રફ હીરાની ખરીદી કરી હતી
- પેમેન્ટ સમસયર નહીં કરી બાદમાં જે ચેક આપ્યો તેનું પણ સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું
સુરત, : સુરતની હીરા કંપની પાસેથી રૂ.85.50 લાખની મત્તાના રફ હીરાની ખરીદી કરી કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટી સ્થિત વીર એક્ષ્પોર્ટના પિતા-પુત્રોએ પેમેન્ટ સમસયર નહીં કરી બાદમાં જે ચેક આપ્યો હતો તેનું પણ સ્ટોપ પેમેન્ટ કરાવી આજદિન સુધી પેમેન્ટ નહીં કરતા કાપોદ્રા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત સ્થિત ઈરા ડાયમંડ પ્રા. લી ના માલિક સંજયભાઈ ભંડેરીના દૂરના સગા પંકજભાઇ મનહરભાઇ ફીણવીયા, તેમના પિતા મનહરભાઇ પ્રાગજીભાઇ ફીણવીયા અને ભાઈ પ્રશાંત ( ત્રણેય રહે.મકાન નં.5, નીલકમલ પાર્ક સોસાયટી, કાપોદ્રા, સુરત ) કાપોદ્રા ગાયત્રીનગર સોસાયટી પ્લોટ નં.એફએફ 287 માં વીર એક્ષ્પોર્ટના નામે રફ હીરા ખરીદી તેને પોલીશ કરી વેચતા હોય ગત 26 જૂન 2023 ના રોજ તેમણે ઈરા ડાયમંડ પ્રા. લી માંથી રૂ.85.50 લાખના 580 કેરેટ રફ હીરા ખરીદ્યા હતા.જોકે, તેનું પેમેન્ટ સમસયર કરવાને બદલે તેઓ વાયદા કરતા હતા.
આથી તેમની પાસે ઉઘરાણી કરતા તેમણે 26 ઓક્ટોબર 2023 ના રોજ રૂ.85.50 લાખના પેમેન્ટનો ચેક આપ્યો હતો.પરંતુ ઈરા ડાયમંડે તે ચેક 1 જાન્યુઆરી 2024 ના રોજ બેંકમાં જમા કર્યો તો સ્ટોપ પેમેન્ટના શેરા સાથે રિટર્ન થયો હતો.ત્યાર બાદ પેમેન્ટ કરવાને બદલે વાયદા કરી આજદિન સુધી ફીણવીયા પિતા-પુત્રોએ પેમેન્ટ નહીં કરતા છેવટે ઈરા ડાયમંડ પ્રા .લી ના વકીલ પ્રદિપભાઇ કિશોરભાઇ પડસાળાએ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં પિતા-પુત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ એન.એ.પટેલ કરી રહ્યા છે.